દિલ્હીના મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધી, કોર્ટમાં નવી ફરિયાદ દાખલ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (The Directorate of Enforcement-ED)એ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી.
નવી ફરિયાદ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ દ્વારા સમન્સ નંબર ચારથી આઠનું પાલન ન કરવા સંબંધિત છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટ ગુરુવારે આ કેસની સુનાવણી કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગની તપાસમાં તેમને જાહેર કરાયેલા પ્રથમ ત્રણ સમન્સ પર હાજર નહી થવા બદલ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે ઇડીએ અગાઉ સ્થાનિક કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી 16મી માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.
કેજરીવાલે ઇડીના આ તમામ આઠ સમન્સને “ગેરકાયદે” ગણાવ્યા હતા અને છેલ્લી વખત કેન્દ્રીય એજન્સીને જાણ કરી હતી કે 12 માર્ચ પછી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તેમની પૂછપરછ થઈ શકશે.
ઇડીએ આઇપીસીની કલમ 174 (જાહેર સેવકના આદેશનું પાલન ના કરવું)ની સાથે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ 63 (4) સહિત અન્ય કલમો હેઠળ નવી ફરિયાદ દાખલ કરી હતી.