યશસ્વી આઠ જ ટેસ્ટ રમીને પહેલી વાર ટૉપ-ટેન રૅન્કિંગમાં આવી ગયો!
ધરમશાલા: ભારતીય ક્રિકેટનો ઊગતો સિતારો અને આક્રમક લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 655 રન સાથે મોખરે છે અને આ જબરદસ્ત પર્ફોર્મન્સના જોરે તે કરીઅરમાં પહેલી જ વખત ટેસ્ટ-બૅટર્સના ટૉપ-ટેનમાં આવી ગયો છે. યશસ્વીએ હજી તો જુલાઈ 2023માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને ફક્ત આઠ ટેસ્ટ રમ્યો છે એમાં તો તેણે અનેક જાણીતા ખેલાડીઓને ઓળંગીને ટૉપ-ટેનમાં સ્થાન મેળવી લીધું છે.
બાવીસ વર્ષનો યશસ્વી થોડા દિવસ પહેલાં 12મા નંબરે પહોંચ્યો હતો અને હવે 727 પૉઇન્ટ સાથે 10મા સ્થાને આવી ગયો છે.
એક ટેસ્ટ સિરીઝમાં 600-પ્લસ રન બનાવનાર તે વિશ્ર્વનો સૌપ્રથમ લેફ્ટ-હૅન્ડ બૅટર છે.
યશસ્વી ભારતનો એવો પાંચમો બૅટર છે જેણે એક ટેસ્ટ શ્રેણીમાં 600થી વધુ રન બનાવ્યા છે.
વર્તમાન ટેસ્ટ સિરીઝમાં તેણે 93.57ની અપ્રતિમ બૅટિંગ સરેરાશે 655 રન બનાવ્યા છે જેમાં બે સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીનો સમાવેશ છે.
ટેસ્ટના રૅન્કિંગમાં જો રૂટ પ્રથમ ક્રમે, સ્ટીવ સ્મિથ બીજા ક્રમે અને ડેરિલ મિચલ ત્રીજા ક્રમે છે.