માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોંગ્રેસને કર્યું બાય.. બાય… વિધાનસભા અધ્યક્ષને સોંપ્યું રાજીનામું
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની હાલત દયનીય બની છે, કોંગ્રસના ધારાસભ્યો એક પછી એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા બાદ આજે કોંગ્રેસના કોમનમેન મનાતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી (MLA Arvind Ladani, Manavadar)એ કોંગ્રેસને કર્યું બાય.. બાય…કરી દીધું છે. અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું સુપ્રત કર્યું છે. માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે તેવી અટકળો તેજ બની હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે લાડાણી 24 કલાકની અંદર રાજીનામું આપીને ભાજપનો ખેંસ ધારણ કરી શકે છે.
વિધાનસભામાં કોંગ્રેસના હવે 13 ધારાસભ્ય
ગુજરાતમાં માત્ર બે જ મહિનામાં કોંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતા હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 ઘારાસભ્યનું રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતાં માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા વધ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઇતિહાસમાં સૌથી ઓછી 17 સીટ મેળવી અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ આગામી સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ શકે છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની આવી કફોડી સ્થિતી આ અગાઉ ક્યારે થઈ નથી. કોંગ્રેસ સાથે છેડો ફાડી રહેલા ધારાસભ્યો બાદમાં કેસરીયા કરી લે છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર તેનું તાજુ ઉદાહારણ છે.
કેવી રહી છે લાડાણીની પોલિટિકલ કરિયર?
અરવિંદ લાડાણી જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. વર્ષ 2022માં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે. ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
ભાજપે શરૂ કર્યો છે ભરતી મેળો
ગઈકાલે ભાજપનો ભરતી મેળો યોજાયો હતો, આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ ત્રણ દિગ્ગજોએ કેસરિયા કર્યા હતા. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં સીઆર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ દિગ્ગજો અંબરીશ ડેર, અર્જૂન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા.