શાહજહાં શેખને આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં CBIને સોંપી દો’, હાઈકોર્ટનો મમતા સરકારને કડક આદેશ
કોલકાતાઃ પ. બંગાળમાં મમતા બેનરજીની સરકારને સંદેશખાલી અને શાહજહાં શેખ મામલે સુપ્રીમ કોર્ટમાંથી રહાત મળી નહોતી. મમતા સરકારે આ મામલાની તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે આ વાતનો ઇનકાર કરી દીધો હતો. હવે મમતા બેનરજીની સરકારને કોલકાતા હાઇ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોલકાતા હાઇ કોર્ટે આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાં શેખને CBIને સોંપવાનો આદેશ આપ્યો છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે અમે પાંચ માર્ચે આપેલા અમારા આદેશને લઈને ગંભીર છીએ. સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી અમારા આદેશ પર કોઈ સ્ટે આવ્યો નથી, તેથી શાહજહાં શેખને બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવામાં આવે. કોર્ટે કહ્યું કે અમે અવમાનના સંદર્ભમાં નોટિસ જારી કરી છે અને પ. બંગાળના સીઆઈડી વિભાગને બે અઠવાડિયામાં એફિડેવિટ-જવાબ દાખલ કરવા કહ્યું છે. કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, EDએ દલીલ કરી હતી કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, રાજ્ય પોલીસે આદેશનું પાલન કર્યું નથી, આરોપીને એમ કહીને CBIને સોંપવામાં આવ્યો નથી કે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પ.બંગાળની મમતા સરકારે કહ્યું હતું કે અમારી એસઆઈટી તપાસ કરી રહી હતી ત્યારે પાયાવિહોણા આક્ષેપો કરીને કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવો ખોટો છે. આ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન છે. રાજ્ય પોલીસે આ મામલે ઝડપ બતાવી છે અને તેની તપાસ હજુ ચાલી રહી છે. આમ જણાવીને મમતા સરકારે શાહજહાં શેખને CBIને સોંપવાનો ઇનકાર કરી દીધો હતો અને તેની કસ્ટડી લેવા ગયેલી CBIએ ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું.