નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Lok Sabha Elections: આંગળી પર લગાવવામાં આવતી શાહી કઈ કંપની બનાવે છે, શું છે ખાસિયત, જાણો?

બેંગલુરુ: આવનાર લોકસભા ચૂંટણી(Lok Sabha Election) માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. મતદાન દરમિયાન મતદાતાની આંગળી પર લગાવવામાં આવતી શાહી બનાવતી કંપની પણ ચૂંટણી માટે તૈયાર છે. Mysore Paints and Varnish Ltd (MPVL) ભૂંસાઈ નહીં એવી શાહીની એકમાત્ર સપ્લાયર છે. અહેવાલ મુજબ કંપનીને આગામી લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીનો તેનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે.

MPVL કર્ણાટક સરકારની માલિકીની કંપની છે, જે 1962થી ચૂંટણી પંચ માટે શાહીનું ઉત્પાદન કરી રહી છે. એક અખબારી અહેવાલ મુજબ લોકસભા ચૂંટણી 2024માટે 70% ઉત્પાદન પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું ઉત્પાદન 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. MPVL આગામી લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજ્યોમાં 26 લાખ શીશીઓ પહોંચાડશે.


MPVLના વરિષ્ઠ અધિકારી એ જણાવ્યું હતું કે, 2024ની લોકસભા ચૂંટણી માટે અમને EC તરફથી મળેલો ઓર્ડર અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. અમે ઉત્તરપૂર્વ અને જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગની શીશીઓ પહોંચાડી દીધી છે. અમે હવે કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે શાહીનું ઉત્પાદન કરી રહ્યા છીએ.


આ ખાસ પ્રકારની શાહી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે. બોગસ મતદાન ન થાય માટે મતદાન કરતા મતદારના ડાબા હાથની પ્રથમા આંગળી પર શાહી લાગવવામાં આવે છે. જો મતદારની પ્રથામા આંગળી ના હોય, તો તેના ડાબા હાથની અન્ય કોઈપણ આંગળી પર શાહી લગાવવામાં આવે છે. અને જો તેના ડાબા હાથની તમામ આંગળીઓ ન હોય તો મતદારના જમણા હાથની અન્ય કોઈપણ આંગળી પર શાહી લગાવવામાં આવે છે.


આ શાહીમાં સિલ્વર નાઈટ્રેટ હોય છે, જે નખ સાથે પ્રતિક્રિયા કરીને અને પ્રકાશના સંપર્કમાં આવતા ઘાટો રંગ પકડે છે. શાહીમાં આલ્કોહોલ પણ હોય છે જેથી તે ઝડપથી સુકાઈ જાય. શાહી આંગળી પર જાંબલી નિશાન છોડે છે, આ નિશાન ચામડી પર સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી રહે છે. નખ પર અઠવાડિયા સુધી રહે છે. શાહીની 10 મિલી શીશીનો ઉપયોગ કરી, આશરે 700 લોકોની આંગળીઓ પર નિશાન લગાવી શકાય છે.


ભારતના ચૂંટણી પંચે કોવિડ-19 પાન ડેમિક દરમિયાન બિન-ચૂંટણીલક્ષી હેતુઓ માટે આ શાહીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. કેટલાક રાજ્યોએ તેનો ઉપયોગ હોમ ક્વોરેન્ટાઇન હેઠળના લોકોને માર્ક કરવા માટે કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button