Gulbarg Society: હત્યાકાંડના 22 વર્ષબાદ ગુલબર્ગ સોસાયટીમાં ખુશીનો માહોલ, મન્સૂરી પરિવારમાં લગ્ન પ્રસંગ
અમદાવાદ: 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગ્યા બાદ, ગુજરાત ભરમાં કોમી રમખાણ(Gujarat Riots)ની આગ ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને અમદાવાદ(Ahmedabad) મહિનાઓ સુધી સળગતું રહ્યું. ગોધરા(Godhra)ની ઘટનાના બીજા દિવસે અમદાવાદના ચમનપુરાની ગુલબર્ગ સોસાયટી(Gulbarg Society)માં કલંકિત ઘટના બની હતી. હથિયારબંધ ટોળાએ 69 લોકોની નિર્મમ હત્યા કરી હતી અને સોસાયટીના ઘરોને આગ ચાંપી હતી. ત્યાર બાદ 22 વર્ષથી ગુલબર્ગ સોસાયટી નિર્જન પડી છે, ભૂતપૂર્વ રહેવાસીઓ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વર્ષમાં માત્ર એક જ વાર આ સ્થળની મુલાકાત લે છે.
આ હત્યાકાંડના બાવીસ વર્ષ બાદ આ નિર્જન પડેલી સોસાયટીના પ્રાંગણમાં લગ્ન ગીત ગુંજ્યા હતા. સોસાયટીમાં પરત રહેવા આવેલા એકમાત્ર પરિવારે અહીં લગ્ન સમારંભ અહીં જ યોજવાનું નક્કી કર્યું હતું, ગત સોમવારે સોસાયટીમાં ખુશીનો માહોલ છવાયો હતો. મન્સુરી પરિવારની 19 વર્ષીય દીકરી મિસ્બાહના નિકાહ મધ્ય પ્રદેશના બરવાની જિલ્લામાં નક્કી થયા હતા, મન્સુરી પરિવારે મિત્રો, પરિચિતો અને તેના ભૂતપૂર્વ પડોશીઓને સોમવારે રાત્રિભોજન માટે આમંત્રણ પાઠવ્યું હતું.
મન્સુરી પરિવાર મૂળ રાજસ્થાનનો વતની છે અને સામુદાયના રીત-રિવાજોને અનુસરીને હલ્દી રસમ પણ યોજાઈ હતી. ફંકશન દરમિયાન પરિવારજનોએ બોલિવૂડના ગીતો પર ડાન્સ કર્યો હતો અને નિકાહ માટે પરિવારજનો મંગળવારે બપોરે મધ્ય પ્રદેશના બારવાની તરફ રવાના થયા હતા. મન્સુરી પરિવારે તેના બે દાયકા પહેલાના તમામ પડોશીઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ બધા આવી શક્યા ન હતા.
ફંકશનમાં આવેલા એક ભૂતપર્વ પાડોશીએ દરેક ઘરના ભૂતપૂર્વ રહેવાસીઓને યાદ કરીને સોસાયટીના નિર્જન ભાગો સાથે વિડિયો રેકોર્ડ કર્યા હતા. સોસાયટીમાં મન્સુરી પરિવારનું જ ઘર એવું છે, જેના પર નવો કલર હોય અને ઘરના પ્રવેશદ્વાર પર તિરંગો દોરેલો પણ જોવા મળે છે, બાકીના ઘરો હજુ પણ નિર્જન અને વેરાન હાલતમાં છે.
મિસ્બાહનો જન્મ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ પછી થયો હતો, આ હત્યાકાંડને 2002ના ગુજરાત રમખાણોની સૌથી ભયાનક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. કુલ 69 લોકોની હત્યા થઇ હતી, જેમાં મન્સુરી પરિવારે પણ છ બાળકો સહિત 19 સભ્યો ગુમાવ્યા. આ હત્યાકાંડમાં કોંગ્રેસના તત્કાનીન સાંસદ એહસાન જાફરીની પણ હત્યા કરવામાં આવી હતી.
હિંસામાં પત્ની અને પાંચ મહિનાના પુત્રને ગુમાવનાર રફીક મન્સૂરીએ મધ્યપ્રદેશમાં ફરીથી લગ્ન કર્યા, જ્યાં તેમના સમુદાયના મોટા ભાગના સભ્યો રહે છે.
બીજી બીજી પત્ની સાથે રફીકને ત્રણ બાળકોનો થયા હતા, જેમાંથી મિસ્બાહ સૌથી મોટી છે. તેમણે કહ્યું કે અહીંયા ઉજવણી કરવાનો આ પહેલો પ્રસંગ છે અને અમે ગુલબર્ગ સોસાયટીમાં જ ફંક્શન યોજવાનું નક્કી કર્યું છે. નિકાહ સમૂહ લગ્નના કાર્યક્રમમાં થવાના હોવાથી, અમે મધ્ય પ્રદેશના બરવાની જવાના છીએ.