આપણું ગુજરાત

વિદ્યાર્થીઓના પ્રશ્નોનો સંવેદના બોક્સ છે જવાબ, અમદાવાદની શાળાઓમાં નવી પહેલ

અમદાવાદ: આજના આધુનિક યુગમાં જ્યારે બધી માહિતીઓ માત્ર એક ક્લિક દ્વારા મળી રહે છે તેવામાં ખોટી અને ભ્રામક માહિતીઓ પણ એટલીજ ફેલાય છે. કોઈ સમજુ અને પુખ્ત વયનો વ્યક્તિ પણ જ્યારે સાચા ખોટાનો ભેદ નથી ઉકેલી શકતો ત્યારે નાના બાળકોને તો શું જ ખબર પડવાની? એમના માટે તો ઇન્ટરનેટ અને માધ્યમો જે માહિતી આપે એ બધી સાચી છે. વિદ્યાર્થી જીવનમાં ઘણા એવા પ્રશ્નો હોય છે જેની વાત તે કોઈ પણ સાથે વાત કરતાં અચકાય છે; તેવા પ્રશ્નોનો જવાબ ક્યાથી શોધવો ?, જવાબ મળશે એ સાચો હશે કે કેમ ?, આવી રીતે પ્રશ્નોના જવાબ મેળવવા યોગ્ય છે ?, આવા સવાલો તેમને થતાં હોય છે અને ક્યારેક વિદ્યાર્થોઓ આવા પ્રશ્નોને કારણે માનસિક રીતે પીડાતા હોય છે.

વિદ્યાર્થીઓના આવા પ્રશ્નોને સમજીને તેને સાચી માહિતી અને માર્ગદર્શન મળી રહે તેમજ તેને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા સકારાત્મક વિચાર સાથે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ શહેરની 100 શાળાઓમાં ‘સારથી પ્રોજેક્ટ’ના ભાગ રૂપે ‘સંવેદના બોક્સ’ની પહેલ શરૂ કરી છે. આ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત ચિંતા અને સમસ્યાઓ વ્યક્ત કરવા માટે એક ગોપનીય માધ્યમ તરીકે સેવા આપે છે, જે તેમને ખાસ પ્રશિક્ષિત શિક્ષકો પાસેથી માર્ગદર્શન આપે છે અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુશ્કેલીઓથી લઈને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કરવા માટે એક માધ્યમ પૂરું પાડે છે.

બાળકોમાં પેન્સિલ શેર કરવા જેવા નાના વિવાદોથી માંડીને માધ્યમિકમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક દબાણ, વિદ્યાર્થિનીઓમાં માસિક સ્ત્રાવ, માનસિક સ્વાસ્થ્ય, વ્યસન, વિરુદ્ધ વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ તેમજ સોશિયલ મીડિયાના ઉપયોગ વિશેના પ્રશ્નો થતાં હોય છે. જેના નિરાકરણ માટે ‘સંવેદના બોક્સ’ એક સ્વસ્થ મધ્યમ છે.

પોતાને તમાકુની ટેવ પડી ગઈ ચે તેવા એક વિદ્યાર્થીની મુંઝવણનો ઉકેલ લાવનારા એક શિક્ષિકાએ વિદ્યાર્થીને મદદ કર્યાના પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ કે ચોકલેટનો ઉપયોગ કરીને કાઉન્સેલિંગ દ્વારા તેમણે આ સમસ્યાનો અંત લાવ્યો હતો. વધુ એક પ્રસંગની વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે 12મા ધોરણના વિદ્યાર્થીને પોતાના જ વર્ગની એક વિદ્યાર્થિની પ્રત્યે આકર્ષણ થયું ત્યારે તેને સલાહ આપી હતી કે તે પહેલા તેના અભ્યાસ અને કારકિર્દી પર પોતાનું ધ્યાન આપે.

અનેક શાળાઓમાં સંવેદના બોક્સ દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓને સારથી શિક્ષકો એ ઉકેલી હોય તેવા કિસ્સાઓ છે. એક ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યુ હતું કે આવી પૂછપરછ 7માંથી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે સામાન્ય છે. તેમની શાળા દર મહિને લગભગ 25-30 વિદ્યાર્થીઓના પ્રશ્નો મેળવે છે.

સંવેદના બોક્સ એક નવો અને સરહનીય પ્રયાસ છે, ભવિષ્યમાં જો બધી જ શાળાઓમાં આવા સંવેદના બોક્સ મૂકવામાં આવે અને વિદ્યાર્થીઓ દ્વારા પોતાને મુંઝવતા પ્રશ્નો-ચિંતાઓ આમ વ્યક્ત કરવામાં આવે તો સારથી શિક્ષકો દ્વારા તેમનુ યોગ્ય માર્ગદર્શન કરીને વિદ્યાર્થી કાળમાં જન્મ લેતા એવા કેટલાય પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકશે અને ભવિષ્યમાં થનારા નકારા પરિણામોથી બચી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button