મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ફરીથી વિધાન પરિષદમાં જશે
૧૧ બેઠકો પર યોજાશે ચૂંટણી
પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાન પરિષદમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે લલન સિંહ, અશોક ચૌધરી અને અન્ય લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા. મુખ્યન પ્રધાન નીતીશકુમાર સહિત ઘણા વિધાનસભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બિહાર વિધાનસભા પરિષદની ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલા યોજાવાની છે, જેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. વિધાનસભા ક્વોટામાંથી ૧૧ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
નીતીશે સતત ચોથી વખત વિધાન પરિષદના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા અને જેડીયુના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ સહિત એનડીએ નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. નીતીશ કુમાર ઉપરાંત તેમના કેબિનેટ સાથી સંતોષ સુમન અને જેડીયુ એમએલસી ખાલિદ અનવરે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ચૂંટણી પંચે રાજ્ય વિધાન પરિષદની ૧૧ બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી છે જેનો કાર્યકાળ મેમાં સમાપ્ત થાય છે. તેમાંથી ચાર જેડી (યુ) પાસે હતી, જો કે, વિધાનસભામાં તેમનું સંખ્યાબળ ઘટ્યા બાદ પાર્ટીએ બે બેઠકો પરનો દાવો છોડી દીધો છે.