નેશનલ

ગુજરાત ભાજપમાં કૉંગ્રેસી કેડરમાં વધારો મોઢવાડિયા સહિત અડધો ડઝન નેતાઓ જોડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલા ભરતી મેળાના ભાગરૂપે આખરે કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારાં અર્જુન મોઢવાડિયા અને માજી ધારાસભ્ય અંબરિશ ડેર સહિત અડધો ડઝનથી વધુ કૉંગ્રેસી કેડરના નેતાઓ આખરે આજે મંગળવારે ભાજપમાં ભળી ગયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ તમામ નેતાઓને કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત્ રીતે પ્રવેશ કરાવ્યો હતો.

ગાંધીનગર નજીક આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ અમરિષભાઇ ડેર, કૉંગ્રેસના લોકસભા અને વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા, કૉંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઇ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેષભાઇ પટેલ, પૂર્વ સાંસદ ઉમેદવાર ધર્મેશકુમાર પટેલ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાયા બાદ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે, મેં ગઇકાલે કૉંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો. દેશને આઝાદી મળી તે પછી મહાત્માએ કહ્યુ કે દેશને આર્થિક અને સામાજિક આઝાદી મેળવવાની બાકી છે. આજે પણ આ સ્વપ્નું મુશ્કેલ લાગે છે. આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીજી દેશનું નેતૃત્વ કરતા અને આજે મોદી સાહેબ અને અમિતભાઇ શાહ સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. દેશમા સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનું જે કામ અધૂરું હતું તે કામ આજે વડા પ્રધાન કરી રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદી સાહેબની આગેવાનીમાં દેશના નાગરિકો એક થઇ સામાજિક અને આર્થિક રીતે બદલાવ લાવવાનું કામ કરી રહ્યા છે તેમાં હું આજે જોડાયો છું. દેશમાં રાજનીતિમાં કોઈ ઉદ્દેશ સાથે આવતું નથી. વડા પ્રધાન મોદીનો ઉદ્દેશ દેશમાં બદલાવ અને દેશને વિશ્ર્વની મહાસત્તા તરીકે પ્રસ્તાપિત કરીને પાંચ ટ્રિલિયન ડૉલરનું સપનું જોયું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં વિકાસનાં અનેક કામો કર્યાં છે. જ્ઞાતિ, ભાષા, પરિવારવાદની રાજનીતિથી પર થઇ વિકાસની રાજનીતી વડા પ્રધાને પ્રસ્થાપિત કરી છે. આજે મોટાં મોટાં રાજયોમાં પણ જ્ઞાતિવાદને નેવે મૂકી જે પરિણામ આપણે જોઇએ છીએ તેનાથી વિરોધી પાર્ટીઓની આંખ ખુલી ગઇ છે.

અંબરીશ ડેરે ભાજપનો ખેસ પહેર્યા બાદ જણાવ્યું કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વન બૂથ ૧૦ યુથ કાર્યક્રમ ચલાવાયો હતો. તેવા સમયે કે જ્યારે મોબાઈલ કેમેરાવાળો ન હતો. તેવા સમયે અમરેલી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકીને અમરેલીના એકે એક ગામમાં યુવા મોરચાના કામ કરેલું. સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી હતી. ૨૦૧૭માં કૉંગ્રેસે ટિકિટ આપી અને હું ધારાસભ્ય રહ્યો. વ્યક્તિગત ટિપ્પણીથી બચીને બોલવાનો પ્રયત્ન કર્યો. સરકારમાં હાલમાં મંત્રીઓ કામ કરી રહ્યા છે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ કામ કરવાની તક મળી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button