કોલકત્તા હાઈ કોર્ટના જજ ભાજપમાં જોડાયા
કોલકાતા: અભિજિત ગંગોપાધ્યાયે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ કોલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપ્યાના કલાકો પછી ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી “ભ્રષ્ટાચારનો પર્યાય” છે અને તે અંત સુધી તેની સામે લડશે.
ભાજપમાં જોડાવા અંગે તેમણે કહ્યું હતું કે આ નિર્ણય છેલ્લા કેટલાક દિવસોમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હું સંભવતઃ ૭ માર્ચે ભાજપમાં જોડાઈશ, . હું ભાજપમાં જોડાઈ રહ્યો છું કારણ કે તે એક રાષ્ટ્રીય પાર્ટી છે, જે બંગાળમાં ટીએમસીના ભ્રષ્ટાચાર સામે લડી રહી છે.
ગંગોપાધ્યાયના વિવિધ શિક્ષણ-સંબંધિત બાબતો પરના ચુકાદાઓએ રાજકીય ચર્ચાઓને ઉત્તેજિત કરી હતી, તેઓ લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગે એમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે ઍ ભાજપના નેતૃત્વએ નક્કી કરવાનું છે. તેઓ જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. ગંગોપાધ્યાયે કહ્યું કે તેઓ ટીએમસીના “અન્યાય” અને “ભ્રષ્ટાચાર” સામે લડશે.