ટોપ ન્યૂઝનેશનલ

EL Nino: 2024 ભારતમાં કાળઝાળ ગરમીની WMOની આગાહી, અલ નીનોના કારણે સ્થિતી વધુ કફોડી બનશે

વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન)એ અલ નીનો અંગે એક ચોંકાવનારૂ અપડેટ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું છે કે વર્ષ 2024માં પણ અલ નીનો ગરમીમાં વધારો કરશે. તેણે એ પણ અહેવાલ આપ્યો છે કે 2023-24માં પાંચ સૌથી ખરાબ કુદરતી હોનારતોમાંની એક છે. વિશ્વ હવામાન સંસ્થાએ જણાવ્યું હતું કે અલ નીનોની અસર માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ વિસ્તારોમાં સામાન્ય તાપમાનથી ઉપર રહેવાની આગાહી કરી છે. તેના નબળા વલણ હોવા છતાં, વૈશ્વિક આબોહવા પર તેની અસર આગામી મહિનાઓમાં ચાલુ રહેશે.

વૈશ્વિક સંસ્થાએ જણાવ્યું હતું કે અલ નીનોની અસરને કારણે હાલમાં સમગ્ર વિશ્વમાં રેકોર્ડ ઊંચા તાપમાન અને ભારે હવામાનની સ્થિતિ નોંધાઈ રહી છે. આ કારણે વર્ષ 2023 પણ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હતું. WMOના મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ કહ્યું કે જૂન 2023થી દર મહિને નવા માસિક તાપમાનનો રેકોર્ડ બન્યો છે. આ કારણે વર્ષ 2023 અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું. તેમણે કહ્યું કે સતત વધી રહેલા તાપમાનમાં અલ નીનોનું પણ મોટું યોગદાન છે.

WMOએ તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે માર્ચથી મે સુધી અલ નીનો ચાલુ રહેવાની લગભગ 60 ટકા સંભાવના છે. જ્યારે, એપ્રિલથી જૂન દરમિયાન તટસ્થ પરિસ્થિતિઓ (અલ નીનો કે લા નીના નહીં) થવાની 80 ટકા શક્યતા છે. વૈશ્વિક સંસ્થાએ એમ પણ કહ્યું છે કે વર્ષના અંતમાં લા નીનાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ છે, પરંતુ હજુ પણ આ અંગે અનિશ્ચિતતા છે. ભારતના સંદર્ભમાં WMOએ કહ્યું કે જૂનથી ઓગસ્ટ સુધી લા નીનાની સ્થિતિ બનવાનો અર્થ એ થઈ શકે છે કે ભારતમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ 2023ની સરખામણીમાં સારો રહેશે.

તેમણે કહ્યું કે વિષુવવૃત્તીય પેસિફિકમાં સમુદ્રની સપાટીનું તાપમાન અલ નીનોની સ્થિતિને સ્પષ્ટપણે બતાવે છે, પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા 10 મહિનાથી સતત અને અસામાન્ય રીતે ઊંચું રહ્યું છે. જાન્યુઆરી 2024 માં દરિયાની સપાટીનું તાપમાન રેકોર્ડ પર સૌથી વધુ હતું. આ ચિંતાજનક છે. અગાઉ, ભારતના હવામાન વિભાગે ગયા નવેમ્બરમાં કહ્યું હતું કે અલ નીનોની સ્થિતિ આવતા વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની મોસમને અસર કરશે નહીં. તીવ્ર અલ નીઓની વચ્ચે, ભારતમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમમાં સરેરાશ કરતાં ઓછો સંચિત વરસાદ નોંધાયો છે.

અલ નિનો શું છે?

અલ નીનો એ સધર્ન ઓસિલેશન (ENSO) નો ભાગ છે, જે હવામાન અને મહાસાગરો સાથે સંબંધિત કુદરતી આબોહવાની ઘટના છે. ENSO બે તબક્કાઓ ધરાવે છે – અલ નીનો અને લા નીના. સ્પેનિશમાં અલ નિનોનો અર્થ ‘નાનો છોકરો’ થાય છે અને તે ગરમ તબક્કો છે. જ્યારે, લા નીનાનો અર્થ થાય છે ‘નાની છોકરી’ જે ઠંડાનો તબક્કો છે.

પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સમુદ્ર કિનારે ગરમ થવાની ઘટનાને અલ નિનો કહેવામાં આવે છે. જો સાદી ભાષામાં સમજીએ તો દરિયાનું તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં જે ફેરફાર આવે છે તે દરિયાઈ ઘટનાને અલ નીનો નામ આપવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા 4-5 ડિગ્રી વધી જાય છે.

અલ નીનો ભારતમાં ચોમાસાને કેવી રીતે અસર કરે છે?

વૈશ્વિક પરિદ્રશ્યમાં જોઈએ તો, અલ નીનો ઘટનાઓ દરમિયાન, દક્ષિણ-પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને મધ્ય આફ્રિકા જેવા સ્થળો પર શુષ્ક હવામાનનો અનુભવ થાય છે. જ્યારે ભારતમાં એવું જોવામાં આવ્યું છે કે અલ નીનો વર્ષ દરમિયાન ચોમાસું નબળું પડી જાય છે. છેલ્લા 70 વર્ષમાં અલ નીનો હવામાનની ઘટનાઓ 15 વખત થઈ છે, જેમાંથી ભારતમાં માત્ર છ વખત સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લાં ચાર અલ નીનો વર્ષોમાં, ભારતે સતત દુષ્કાળની સ્થિતિ અને વરસાદની ગંભીર ઉણપનો સામનો કર્યો છે. ચોમાસાનો વરસાદ નબળા, મધ્યમ અથવા મજબૂત અલ નીનો ઘટનાઓના આધારે અલગ-અલગ થઈ શકે છે. વર્ષ 1997માં, ભારતમાં મજબૂત અલ નીનોને કારણે સામાન્ય વરસાદના 102 ટકા જેટલો રેકોર્ડ વરસાદ નોંધાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button