રણજી ટ્રોફી: યશ વિરુદ્ધ યશની હરીફાઈ વચ્ચે વિદર્ભ ફાઇનલની લગોલગ
નાગપુર: મુંબઈ 42મી વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા ફાઇનલમાં પહોંચી ગયું છે અને એને હવે 10મી માર્ચે શરૂ થનારી પાંચ-દિવસીય ફાઇનલમાં હરીફ ટીમનો ઇન્તેજાર છે. મંગળવારે નાગપુરમાં મધ્ય પ્રદેશ સામે વિદર્ભએ મજબૂત સ્થિતિ હાંસલ કરીને ફાઇનલમાં જવા માટેનો તખ્તો તૈયાર તો કરી લીધો હતો, પરંતુ ક્રિકેટમાં કંઈ પણ સંભવ છે એટલે મધ્ય પ્રદેશે બાકીના 93 રન બનાવીને નિર્ણાયક મુકાબલામાં પહોંચી શકે.
આ મૅચમાં ખરેખર તો વિદર્ભના બૅટર યશ રાઠોડ (બીજા દાવમાં 141 રન, 200 બૉલ, બે સિક્સર, અઢાર ફોર) અને મધ્ય પ્રદેશના યશ દુબે વચ્ચેની હરીફાઈ જોવા મળી છે.
વિદર્ભના પરાજયની શક્યતા ઘણી ઓછી છે, કારણકે એણે સૌથી વધુ નડી રહેલા ઓપનર યશ દુબે (94 રન, 212 બૉલ, દસ ફોર)ની ચોથા દિવસની રમતની છેલ્લી પળોમાં વિકેટ લઈને મધ્ય પ્રદેશની છાવણીમાં સોપો પાડી દીધો હતો. રમતના અંતે મધ્ય પ્રદેશનો સ્કોર 321 રનના લક્ષ્યાંક સામે છ વિકેટે 228 રન હતો. વિદર્ભના અક્ષય વખારેએ ત્રણ તેમ જ આદિત્ય સરવટેએ બે અને યશ ઠાકુરે એક વિકેટ લીધી હતી. મધ્ય પ્રદેશને નજીવી આશા અપાવવામાં હર્ષ ગવળી (67 રન, 80 બૉલ, અગિયાર ફોર)નો પણ ફાળો છે.
વિદર્ભએ પ્રથમ દાવમાં 170 રન બનાવ્યા બાદ મધ્ય પ્રદેશે 252 રન બનાવીને 82 રનની લીડ લીધી હતી. જોકે વિદર્ભને બીજા દાવમાં યશ રાઠોડે આક્રમક સદી સાથે જીતવાનો મોકો અપાવ્યો હતો. વિદર્ભએ બીજા દાવમાં 402 રન બનાવતાં મધ્ય પ્રદેશને 321 રનનો મુશ્કેલ ટાર્ગેટ મળ્યો હતો.