નેશનલ

ભાજપના વિધાનસભ્ય ગેરકાયદે દારુની દુકાન ચલાવતા હોવાનો પ્રજ્ઞા સિંહ ઠાકુરનો આરોપ

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપના લોકસભા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે તેમની પાર્ટીના વિધાનસભ્ય સુદેશ રાય મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં ગેરકાયદે રીતે દારૂની દુકાન ચલાવે છે. તેમણે રાયને વિધાનસભ્યના પદેથી હટાવવાની પણ માંગણી કરી હતી. જ્યારે મીડિયાકર્મીઓએ આ સંબંધમાં રાયનો સંપર્ક કર્યો અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે રાયે કહ્યું હતું કે તેમણે પોતે (મીડિયાકર્મીઓએ) ઠાકુરના આરોપોની તપાસ કરવી જોઈએ.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે તે વિકાસ કામો શરૂ કરવા માટે તેમના મતવિસ્તારના પ્રવાસ પર હતી ત્યારે ખજુરિયા કલાની કેટલીક છોકરીઓ તેમની પાસે આવી અને ફરિયાદ કરી હતી કે તેમની શાળાની સામે દારૂની દુકાન ચાલી રહી છે. નોંધનીય છે કે ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે ભોપાલથી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ફરીથી ઉમેદવાર બનાવ્યા નથી.

ભાજપનાં નેતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે છોકરીઓ ઉદાસ હતી અને તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ફરિયાદ કરી હતી કે લોકો દારૂની દુકાન પર ભેગા થાય છે અને તેમના પર ખરાબ ટિપ્પણી કરે છે. છોકરીઓએ મને કહ્યું હતું કે તેઓ સુરક્ષિત નથી અને તેમની સાથે કંઈપણ થઈ શકે છે. કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે લોકો દારૂ પીને તેમના ઘરમાં ઘૂસી જાય છે.

પ્રજ્ઞા ઠાકુરે દાવો કર્યો હતો કે ત્યાં હાજર એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે કહ્યું કે તેમને આ વાતની જાણ નથી. તેમણે કહ્યું હતું કે આ સંસદ સભ્યનું ‘આદર્શ ગ્રામ’ હતું અને ત્યાં દારૂની દુકાન ખોલી શકાતી નથી. તેમણે દાવો કર્યો, ‘આ જ પ્રકારની ફરિયાદ લગભગ એક વર્ષ પહેલા આવી હતી અને પછી જિલ્લા મેજિસ્ટ્રેટે મને કહ્યું હતું કે દુકાન બંધ છે. પરંતુ આ વખતે જ્યારે હું ત્યાં ગઇ ત્યારે યુવતીઓએ ફરી ફરિયાદ કરી હતી.

ઠાકુરે કહ્યું હતું કે મને રાય સામે કોઈ ફરિયાદ નથી. જો તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોય તો તે એક મોટો ગુનો છે. જો કોઈ અસામાજિક તત્વ દારૂ પીને કોઈ છોકરી સાથે કંઈ કરે છે તો મને લાગે છે કે તેની જવાબદારી મારી રહેશે. “મેં ક્યારેય આવી વસ્તુઓ સહન કરી નથી અને ક્યારેય કરીશ નહીં.

ભાજપના વિધાનસભ્ય રાયે કહ્યું હતું કે તમે દારૂની દુકાન ચલાવનારની માહિતી જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મેળવી શકો છો? હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી કારણ કે તે સાધ્વી છે. તે કોઈ પણ આરોપ લગાવી શકે છે. તમારે (મીડિયા) તપાસ કરવી જોઈએ, હું ખોટું બોલી શકું છું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button