‘ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ’ રાજકોટ જિલ્લાને એનાયત
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લા ક્લેક્ટરને એવોર્ડ આપ્યો
વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીને અપાયો “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૩”
ગુજરાતના ગૃહ અને વાહન વ્યવહાર વિભાગના રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૩” રાજકોટ જિલ્લાને એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લાના નાગરિકો વતી આ એવોર્ડ જિલ્લા રોડ સેફ્ટી કમિટીના અધ્યક્ષ અને રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે સ્વીકાર્યો હતો.
પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા વિવિધ શાળાઓમાં થતી ટ્રાફિક અવેરનેસની કામગીરી અંગે આ એવોર્ડ આપવામાં આવ્યો છે, ટ્રાફિક અવેરનેસ અંતર્ગત વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાથી થતા ફાયદા, ટ્રાફિકના નિયમો અને તેના અનુસરણની વિગતો, ઝીબ્રા ક્રોસીંગ અને તેની વિગતો, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે અંગે જાગૃત કરવામાં આવે છે.આ ઉપરાંત, જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા બ્લેક સ્પોટ અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાની મહત્વની કામગીરી તથા રોડ એન્જીનીયરીંગ અને સાઈનેજીઝ સહીતની કામગીરી પર પુરતું ધ્યાન આપવામાં આવે છે.
એવોર્ડ સેરેમનીમાં રાજકોટ જિલ્લાના આર.ટી.ઓ અધિકારી શ્રી કેતન ખપેડ, રોડ સેફ્ટી સભ્ય સચિવ અને શ્રી જે. વી. શાહ ઉપસ્થિત રહ્યા હતા.