નેશનલ

MPમાં હૃદયદ્રાવક ઘટના, બદમાશોએ પત્નીની છેડતી કરી અને માર માર્યો

પતિએ બે બાળકો સાથે કરી આત્મહત્યા

મધ્ય પ્રદેશના મંદસૌરમાં આઘાતજનક મામલો સામે આવ્યો છે. એક પિતાએ તેમની 12 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્ર સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય લોકોના મૃતદેહો આંબાના વૃક્ષ નીચે લટકેલા મળી આવ્યા છે.

આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશનની હદના રૂંડી ગામમાં બની છે, જ્યાં વણઝારા સમાજના યુવકે તેની પુત્રી અને પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી, આત્મહત્યા પહેલા યુવકે લખેલી સ્યુસાઈડ નોટમાં શા માટે આત્મહત્યા કરી તેનું કારણ પણ જણાવ્યું છે.

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે ત્રણ માસ પહેલા તેની પત્ની નૈની બંજારાને તે જ ગામના રાજુ, કાલુ, સોનુ, ગીતાબાઈ, નોજીબાઈ, લીલાબાઈ, ગોવિંદ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેણે પોતાના અને તેના બાળકોના મોત માટે આ તમામ લોકોને જવાબદાર ઠેરવ્યા છે. મૃતકે પોતાની સુસાઈડ નોટમાં પોલીસ પાસે માંગ કરી છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.

મળતી માહિતી મુજબ, મૃતકને એક જ ગામના એક પરિવારના પુરુષો અને મહિલાઓ દ્વારા તેની પત્નીની મારપીટ અને છેડતી કરવામાં આવી હતી. તે ગત રવિવારે સાંજે ત્રણ મહિના બાદ પોતાના બાળકોને મળવા ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા પછી, તે બાળકોને શામગઢ લઈ ગયો અને તેમને ખરીદી કરાવી હતી. આ પછી મંગળવારે સવારે ત્રણેયના મૃતદેહ નજીકના ગામમાં ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.

ત્રણેયના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા અને બદમાશો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગુસ્સે ભરાયેલા લોકો આરોપીના ઘરે પહોંચ્યા અને ત્યાં તોડફોડ કરી હતી. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોનું પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોકોને સમજાવીને શાંત કરવામાં આવ્યા અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીના ગેરકાયદેસર મકાનની તપાસ શરૂ કરી છે. આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં વહીવટીતંત્ર આ અંગે કાર્યવાહી કરશે. જો કે આ કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હાલ ફરાર છે.

આ ઘટના અંગે મંદસૌરના એસપી અનુરાગ સુજાનિયાએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે ત્રણ લોકોના લટકતા મૃતદેહ મળી આવ્યા છે, ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button