હૈદરાબાદની ટીમનો નવો કૅપ્ટન પૅટ કમિન્સ કેમ ભાવુક થઈ ગયો?
હૈદરાબાદ: ઑસ્ટ્રેલિયાને છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ટેસ્ટના વર્લ્ડ કપની ટ્રોફી તેમ જ વન-ડેના વિશ્ર્વકપના ચૅમ્પિયનપદ સહિત અનેક સિદ્ધિઓ અપાવનાર ફાસ્ટ બોલર પૅટ કમિન્સે હવે આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનું સુકાન સંભાળવાની નવી જવાબદારી સ્વીકારી છે અને કરીઅરના આ સુવર્ણકાળના સમયે તે થોડો ભાવુક થઈ ગયો છે.
કારણ એ છે કે ગયા વર્ષે કૅન્સરની બીમારીમાં તેના મમ્મી મારિયાનું અવસાન થયું હતું અને એ આઘાતમાંથી કમિન્સ જરાય બહાર નથી આવી શક્યો.
30 વર્ષના કમિન્સને હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ 2024ની આઇપીએલની સીઝન માટે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
2023ના ફેબ્રુઆરી-માર્ચમાં ભારતમાં ઑસ્ટ્રેલિયાની ચાર ટેસ્ટ સિરીઝ રમાવાની હતી. કમિન્સ પહેલી બે ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળ્યા પછી ઑસ્ટ્રેલિયા પાછો આવી ગયો હતો. ત્યાર બાદ સ્ટીવ સ્મિથે સુકાન સંભાળ્યું હતું અને ભારતે એ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. કમિન્સે એક પૉડકાસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘ગયા વર્ષે મેલબર્નમાં જ્યારે મારા મમ્મીની સારવાર ચાલી રહી હતી ત્યારે ટેસ્ટ સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરવાનું મારા માટે કઠિન હતું. હું ભારત જવા મેલબર્નથી વિમાનમાં બેસી રહ્યો હતો ત્યારે મને ખબર હતી જ કે મારે થોડા અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયા પાછા આવવું પડશે.’
કમિન્સે મમ્મીના નિધનની વાત પરની ચર્ચામાં એવું પણ કહ્યું હતું કે ‘મને ક્રિકેટ રમતો જોઈને મારા મમ્મી-પપ્પા ખૂબ ખુશ થતા હતા. તેમનો એ આનંદ જોઈને મારો આત્મવિશ્ર્વાસ વધી જતો હતો. ગયા વર્ષે ભારતમાં હું જેટલો પણ સમય હતો ત્યારે પ્રત્યેક પળ મારા મમ્મીને યાદ કરતો હતો. હું ભારતથી રવાના થઈ ગયો ત્યાર બાદ મારા મૅનેજર અને હું જેમની સાથે મારી ખાસ વાતો શૅર કરતો હોઉં છું તેમણે મને ફોન પર પૂછ્યું કે તું ઘરે કેમ પાછો આવી રહ્યો છે એ તો બતાવ? જોકે હું તો મારું મન જે કહેતું એ જ કરતો હતો. હું બનેએટલો સમય મારા મમ્મી પાસે રહેવા માગતો હતો.’
કમિન્સે એ અરસામાં ઑસ્ટ્રેલિયાનું કૅપ્ટનપદ છોડી દેવાનો વિચાર સુધ્ધાં કરી લીધો હતો. જોકે પછીથી નિર્ણય બદલીને ક્રિકેટ પર ફરી એકાગ્રતા રાખીને એ રીતે મમ્મીને પોતાની શાનદાર ઇનિંગ્સ સમર્પિત કરવાનું નક્કી કરી લીધું હતું.