નેશનલ

Sandeshkhali: આખરે કોલકાત્તા HCએ કેસ સીબીઆઈને સોંપ્યો

કોલકાત્તાઃ ખૂબ જ વિવાદાસ્પદ અને રાજકીય યાદવાસ્થળી બનેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના સંદેશાખાલી (Sandeshkhali) કેસની તપાસ હવે સીબીઆઈ(CBI) કરશે. કોલકાત્તા હાઈ કોર્ટે આ કેસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપ્યો છે. 5 જાન્યુઆરીના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અહીંના વિધાનસભ્ય શાહજહાં શેખને ત્યાં દરોડા પાડવા ગઈ ત્યારે લગભગ 300 જેટલા સ્થાનિકો-કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો, જેમાં કર્મચારીઓ ઘાયલ થયા હતા.

આ કેસની તપાસ હવે સીબીઆઈ કરશે ત્યારે શાહજહાં શેખ (Shahjahan Sheikh)ની કસ્ટડી પણ તેમના હાથમાં આવશે, તેમ અહેવાલો જણાવે છે. આ કેસના મુખ્ય આરોપી અને મુખ્ય પ્રધાન મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કૉંગ્રેસના વિધાનસભ્ય શાહજહાં શેખની ધરપકડ 24 પરગણાના મીના ખાનના ઘરમાંથી કરવામાં આવી હતી. ઘણો લાંબો સમય તે પોલીસની પક્કડથી દૂર રહ્યો હોવાથી મમતા સરકાર પર ભાજપે માછલાં ધોયા હતા અને દેશભરમાં ટીકા થઈ હતી. તેમની ધરપકડ 5 જાન્યુઆરીએ બનેલા બનાવના સંદર્ભમાં થઈ છે, પરંતુ તેમની સામે ઘણી મોટી સંખ્યામાં ગંભીર ગુના નોંધાયેલા છે, આથી ઓછામાં ઓછા દસ વર્ષ જેલમાં રહેવું પડશે, તેવી ટીપ્પીણી અગાઉ કોર્ટે કરી હતી.


સંદેશાખાલીમાં મહિલઓ સાથે શેખ અને તેમના સાગરીતો દ્વારા અભદ્ર વ્યવહાર થતો હોવાની ફરિયાદના પગલે અહીં રાજકીય પક્ષો ઉપરાંત મહિલા આયોગની ટીમ પણ આવી હતી. અહીં વિરોધ પ્રદર્શન કરનારાઓનું પોલીસ સાથે ઘર્ષણ થતું હતું અને મમતા સરકાર આખી ઘટના પર ઢાંકપિછોડો કરતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button