સોનામાં વન વે તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ
સ્થાનિક સોનામાં રૂ. ૯૨૪ની અને ચાંદીમાં રૂ. ૧૨૬૧ની તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ઉત્પાદન અને બાંધકામના ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલા કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ થવાની સાથે આજે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે ભાવમાં ઉંચા મથાળે ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં તેજી આગળ ધપતાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૦થી ૯૨૪ની તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં કિલોદીઠ રૂ. ૧૨૬૧નો ઉછાળો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહેતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૨૦ વધીને રૂ. ૬૪,૧૪૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૨૪ વધીને રૂ. ૬૪,૪૦૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬૧ના ઉછાળા સાથે રૂ. ૭૨,૦૩૮ના મથાળે રહ્યા હતા.
અમેરિકાનાં આર્થિક ડેટા નબળા આવતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ગત ૪ ડિસેમ્બર પછીની ઊંચી ઔંસદીઠ ૨૧૧૯.૬૯ ડૉલર સુધી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ઔંસદીઠ ૨૧૧૪.૯૯ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદાના ભાવ સાધારણ ૦.૧ ટકાના ઘટાડા સાથે ૨૧૨૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૮૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વૈશ્વિક સોનામાં ખાસ કરીને અમેરિકાના આર્થિક ડેટા અપેક્ષા કરતાં નબળા આવતા તેજીનું વલણ જોવા મળ્યું હતું, પરંતુ રોકાણકારોની નજર આગામી સપ્તાહના અંત આસપાસ અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં વક્તવ્ય પર સ્થિર થઈ હોવાથી મર્યાદિત ઉછાળો જોવા મળ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. જોકે, તાજેતરમાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનાં સોનાના હોલ્ડિંગમાં થઈ રહેલો ઘટાડો સૂચવે છે કે સોનામાં રોકાણકારોનો વિશ્ર્વાસ મંદ પડી રહ્યો છે, એવું અમુક વર્તુળોનું મંતવ્ય છે.