રાહુલ ગાંધીએ યુરોપિયન સંસદના સભ્યો સાથે બંધ બારણે બેઠક કરી, મણિપુર મુદ્દે ચર્ચા થઈ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. ભારતમાં યોજાઈ રહેલી જી-20 સમિટ પહેલા રાહુલ ગાંધીએ બેલ્જીયમના બ્રસેલ્સમાં યુરોપિયન સંસદના સાભ્યો સાથે મિટિંગ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમણે યુરોપિયન સંસદના સભ્યો સાથે ભારતમાં ‘લોકશાહી સંસ્થાઓ પરના હુમલા’ સહિત ભારત સામેના વિવિધ પડકારો અંગે ચર્ચા કરી. રાહુલે કહ્યું કે તેઓ ખૂબ જ ચિંતિત છે કારણ કે તેમને લાગે છે કે ભારતના લોકતાંત્રિક માળખાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
યુરોપ મુલાકાતના પ્રથમ દિવસે તેમણે યુરોપિયન સંસદના કેટલાક સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે મણિપુરમાં માનવાધિકારની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ માનવ અધિકાર મુદ્દાઓ સાથે સંબંધિત નાગરિક સમાજ સંગઠનો દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેણે બ્રસેલ્સમાં ભારતીય ડાયસ્પોરા સાથે રાત્રિભોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી વિદેશ મુલાકાતો દરમિયાન ભારતમાં લોકશાહી પર હુમલો, વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયાસો અને બંધારણીય સંસ્થાઓ પર સત્તા પક્ષનો કબજો જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.
આજે રાહુલ ગાંધી પેરિસની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને રાહુલ ગાંધી પેરિસમાં ફ્રાંસના મજૂર સંઘની બેઠકમાં ભાગ લેશે. આ પછી તે નોર્વે જવા રવાના થશે. અહીં 10 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી ઓસ્લોમાં ભારતીય ડાયસ્પોરાના કાર્યક્રમને સંબોધિત કરશે. 11મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ભારત પરત ફરશે.