GST ચોરીની પધ્ધતીઓ અને તેને રોકવા માટે આખો દિવસ ચાલ્યું મંથન, નાણા મંત્રીએ અધિકારીઓને આપી આ સુચના

નાણા મંત્રી નિર્મલા સીતારમણે GST અધિકારીઓને સ્ટેકહોલ્ડર્સની ચિંતાઓ સમજવા, અનુપાલન વધારવા, પ્રોસેસને સ્ટ્રીમલાઈન કરવા અને ટેક્સ સિસ્ટમને પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા જણાવ્યું છે. નાણામંત્રીએ આ વાત સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ફોરમેશન્સના એનફોર્સમેન્ટ ચીફની નેશનલ કોન્ફ્રન્સને સંબોધિત કરતી વખતે કહી હતી.
GST ચોરી રોકવા મનોમંથન
4 માર્ચ, 2024 ના રોજ દિલ્હીમાં સેન્ટ્રલ અને સ્ટેટ GST ફોરમેશન્સના એનફોર્સમેન્ટ ચીફની બેઠક પ્રથમ વખત યોજાઈ હતી, જેમાં GST ચોરીની પદ્ધતિઓ, જે માર્ગો દ્વારા GST ચોરી કરવામાં આવે છે, તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત, કયા સેક્ટરમાં GST ચોરી સૌથી વધુ થાય છે અને એવા હાઈ રિસ્ક ટેક્સપેયર્સ જેમની હરકતો શંકાસ્પદ છે તેમના દ્વારા થતી જીએસટીની ચોરી રોકવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગને સંબોધતા, નાણામંત્રીએ 2017 થી ટેકનોલોજીનો ઉપયોગ કરીને GSTને વિશ્વસનીય, લક્ષ્ય આધારિત સિસ્ટમ બનાવવા માટે GST ફોરમેશન્સની પ્રશંસા કરી હતી. નાણામંત્રીએ GST ફોરમેશન્સને સિસ્ટમમાં રહેલી છટકબારીઓ દૂર કરવા અને ટેક્સપેયર્સને વધુ સારી સર્વિસીસ પુરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
CBICએ 4 વર્ષમાં 1.15 લાખ કરોડની GST ચોરી પકડી
આ મીટીંગમાં જણાવવામાં આવ્યું હતું કે મે 2023 પછી નકલી GST રજીસ્ટ્રેશન અને બોગસ બિલિંગ સામે લેવામાં આવેલી કાર્યવાહીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા 49,623 કરોડ રૂપિયાની GST ચોરી પકડી પાડવામાં આવી હતી જેમાં 31,512 બોગસ કંપનીઓ સામેલ હતી. CBICએ જણાવ્યું કે 2020 થી, તેણે 1,14,755 કરોડ રૂપિયાની નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટની ઓળખ કરી છે.
2 લાખ કરોડ GST કલેક્શનનું લક્ષ્ય
કોન્ફરન્સને સંબોધતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં દર મહિને 2 લાખ કરોડ રૂપિયાના જીએસટી કલેક્શનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. તો રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ GST સિસ્ટમમાં અમલીકરણની ભૂમિકા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે હાઈ-રિસ્ક એરિયાની ઓળખ કરવી, કરચોરી અટકાવવી અને કરદાતાઓના અધિકારો સાથે એનફોર્સમેન્ટને બેલેન્સ કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવી અને પોલીસીમાં સુધારો અને ટેકનોલોજીના હસ્તક્ષેપ માટે ફિડબેક મેળવવો પણ જરૂરી છે.