વેપાર

ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે 82.91ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ભારે ચંચળતા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 82.91ના બંધ સામે સુધારાના અન્ડરટોને 82.86ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 82.91 અને ઉપરમાં 82.86ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે સાધારણ એક પૈસો વધીને 82.90ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે સાંકડી વધઘટે અથડાઈને 103.79 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ સાધારણ 0.08 ટકા ઘટીને બેરલદીઠ 83.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં આગેકૂચ જળવાઈ રહેતાં અનુક્રમે 66.14 પૉઈન્ટનો અને 27.20 પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર એકંદરે સ્થાનિક આર્થિક પરિબળો મજબૂત હોવાથી હાલમાં રૂપિયાના સુધારાને ટેકો મળી રહ્યો છે, પરંતુ ગત શનિવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 81.87 કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button