આમચી મુંબઈમહારાષ્ટ્ર

મઢ-વર્સોવા રોડના ટ્રાફિકના ઉકેલ માટે પુલ બનાવાશે, આટલો કરોડનો ખર્ચ કરશે

મુંબઈઃ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાના પર્યાય તરીકે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર અને એલિવેટેડ રોડ બનાવવાનો વિકલ્પ પસંદ કરવામાં આવી રહ્યો છે. હવે મઢ-વર્સોવા રોડ પર ટ્રાફિક ઓછી કરવા અહીં ખાડી પર પુલ બનાવવામાં આવશે, જ્યારે, ખાર સબ-વે અને બાંદ્રા ટર્મિનસ કનેક્ટરની પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી માટે એલિવેટેડ રોડ બનાવવામાં આવશે.

પ્રસ્તાવિત યોજના માટે 500 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે, પરંતુ એક વખત આ કનેક્ટિવિટી ઊભી થયા પછી વાહનચાલકોને અવરજવર કરવામાં ઘણી રાહત થઈ શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડી પર બ્રિજ અને ખાર સબ-વે નજીક એલિવેટેડ રોડ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ખાડી પર પુલ બનાવવા માટે ત્રણ વર્ષ અને એલિવેટેડ રોડ બનાવવા સાડા ત્રણ વર્ષ લાગશે.

ખાડી પર પુલ બનાવવા માટે ફેબ્રુઆરી ૨૦૨૩માં મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, તેથી સીઆરઝેડમાંથી પણ તુરંત જ પરવાનગી મળી હતી. બ્રિજ બન્યા બાદ ૨૧થી ૨૨ કિ.મી.ની મુસાફરી માત્ર દસ મિનિટમાં થઈ જશે.

ખાર સબ-વે અને બાંદ્રા ટર્મિનસ કનેક્ટર પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે એલિવેટેડ રોડનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. આ પુલ લગભગ પાંચ કિલોમીટર લાંબો હશે અને તેનો ખર્ચ રૂ. ૫૦૦ કરોડથી વધુ થવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button