ટોપ ન્યૂઝનેશનલ

AAPને સુપ્રીમ કોર્ટની ફટકાર, 15 જૂન સુધીમાં રાઉઝ એવન્યુ ખાતેની પાર્ટી ઓફિસ ખાલી કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને તેની ઓફિસ ખાલી કરવા કહ્યું છે. જો કે, સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 જૂન સુધીની મોહલત આપી છે. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી છે.

આ મામલે હાઈકોર્ટે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આમ આદમી પાર્ટીને ઓફિસ ખાલી કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટના ચુકાદાને AAPએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે AAP નવી ઓફિસ માટે સરકારને અરજી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે સંબંધિત વિભાગને AAPની અરજી પર 4 અઠવાડિયામાં નિર્ણય લેવા પણ જણાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે રહેણાંક સંકુલ બનાવવામાં આવનાર છે. ત્યાં આમ આદમી પાર્ટીની ઓફિસ ચલાવી શકાય નહીં.

કોર્ટે AAPની ઝાટકણી કાઢી

આ અગાઉ 14 ફેબ્રુઆરીએ આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, કોઈને પણ કાયદો તોડવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે AAPને આ ઓફિસ ખાલી કરવા અને જમીન હાઈકોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. હવે કોર્ટે તેને 15 જૂન સુધીમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનિય છે કે AAP સામે ફરિયાદ છે કે પાર્ટીની ઓફિસ દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર ચાલી રહી છે. પહેલા અહીં દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રીનું નિવાસસ્થાન હતું, પરંતુ બાદમાં AAPએ અહીં પોતાનું કાર્યાલય બનાવ્યું છે.

AAPએ કેન્દ્ર પર લગાવ્યો આરોપ

આ મામલે આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, અમે SC સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. દિલ્હી સરકારે આ જમીન AAPને ફાળવી છે, તેના પર કોઈ અતિક્રમણ થયું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button