IPL 2024 17મી સીઝનના જાણો મોટા ન્યૂઝઃ હૈદરાબાદે આ ક્રિકેટરને સુકાનીપદ સોંપ્યું
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આગામી સીઝન પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વન-ડે ટીમના કેપ્ટન પેટ કમિન્સ આઇપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે. કમિન્સને આગામી સીઝન માટે ફ્રેન્ચાઇઝી દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટ્વિટ કર્યું હતું કે ‘ઓરેન્જ આર્મી. પેટ કમિન્સ આઇપીએલ 2024 માટે અમારા નવા કેપ્ટન છે. કમિન્સે સાઉથ આફ્રિકાના એડન માર્કરામનું સ્થાન લીધું છે. કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદનો 10મો કેપ્ટન હશે.
સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલ 2023ની હરાજીમાં પેટ કમિન્સને 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2023માં બે આઇસીસી ટાઇટલ (ડબલ્યૂટીસી ફાઇનલ અને ક્રિકેટ વર્લ્ડ કપ) જીત્યા હતા.
તે સિવાય, સનરાઇઝર્સ હૈદરાબાદે 2024 સીઝન માટે કેપ્ટન બાદ બોલિંગ કોચના નામની પણ જાહેરાત કરી છે. હૈદરાબાદે ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ ફ્રેન્કલિનને આગામી સીઝન માટે બોલિંગ કોચ બનાવ્યો છે. તે દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર ડેલ સ્ટેઈનનું સ્થાન લેશે. બોલિંગ કોચ ડેલ સ્ટેન વર્ષ 2022માં ટીમના કોચ બન્યા હતા. તેમણે અંગત કારણોસર આ સીઝન માટે બ્રેક માંગ્યો હતો.