અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા પણ આપી શકે છે રાજીનામું, જાણો શું છે ભાજપની ચૂંટણી રણનીતિ?
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે. ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં કોંગ્રેસના એક પછી દિગ્ગજ નેતા જોડાઈ રહ્યા છે. અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને ગમે ત્યારે રામ રામ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના મોટા નેતા અર્જૂન મોઢવાડિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે. આજે સાંજ સુધીમાં વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે. જોકે, આ બાબતે અર્જુન મોઢવાડિયાએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી.
કોંગ્રેસને ડબલ ઝટકા
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે. જો આવું થશે તો કોંગ્રેસને અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા રૂપી ડબલ ઝટકા સહન કરવા પડશે.
અર્જુન મોઢવાડિયા ભાજપ માટે કેટલા મહત્વના?
આ લોકસભા ચૂંટણીમાં ભાજપે દરેક સીટ પાંચ લાખ મતોથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. હવે રાજ્યની કેટલીક સીટો એવી છે જ્યાં જાતિ સમિકરણ ભાજપના ઉમેદવારની વિરૂધ્ધ જવાની શક્યતા છે. જેમ કે પોરબંદરમાંથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા લોકસભા ચૂંટણી લડવાના છે. હવે પોરબંદરમાં મેર અને લેઉવા પાટિદારોનું પ્રભુત્વ છે. અર્જુન મોઢવાડિયા મેર સમુદાયમાંથી આવે છે અને તે સ્થાનિક ધારાસભ્ય છે. વળી તેમનું સમાજમાં સારૂ વર્ચસ્વ પણ છે તેથી જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની સીટ જીતવી ભાજપ માટે સરળ બની જાય છે.