10 કરોડ રૂપિયા પણ આપશો તો પણ લગ્નમાં નહીં ગાઉં, જાણો કેમ Lata Mangeshkarએ આવું કહ્યું
ગુજરાતના જામનગર ખાતે ત્રણ-ત્રણ દિવસ સુધી બોલીવૂડ-હોલીવૂડ સેલેબ્સે હાજરી આપી અને પર્ફોર્મ પણ કર્યું હતું. પરંતુ આ બધા વચ્ચે અનેક લોકોને યાદ આવી ગયા ભારતના દિવંગત સ્વર સામ્રાજ્ઞી અને કોકિલકંઠી લતા મંગેશકર. હવે તમને થશે કે આખરે આ બંનેનું લિંકઅપ શું છે તો ભાઈ થોડા ધીરા પડો અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. એક તરફ જ્યાં આજના કલાકારો લાખો-કરોડો રૂપિયાની ફી વસૂલીને લગ્ન, પાર્ટી કે એવોર્ડ ફંક્શનમાં પર્ફોર્મન્સ આપે છે. પરંતુ લતા મંગેશકરે લગ્નમાં ગીત ગાવા માટે કરવામાં આવેલી કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ બેશમાં અનેક સેલેબ્સ ડાન્સ અને સોન્ગ પર્ફોર્મ કર્યા હતા અને આ માટે તેમણે મસમોટી ફી વસૂલી હતી. પરંતુ એ સાથે જ લોકોને લતાદીદીની યાદ આવી ગઈ કારણ કે તેમણે કોઈ પણ લગ્ન કે ઈવેન્ટમાં મનમાની ફી વસૂલીને પર્ફોર્મન્સ નહોતું આપ્યું અને એ માટે તેમને કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હોય તો પણ…
આ વિશે લોકપ્રિય ગાયિકા અને લતા મંગેશકરની બહેન આશા ભોંસલેએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતાં જણાવ્યું હતું કે એક વખત લતાદીદીને લગ્નમાં બે કલાક હાજરી આપવા અને ગીત ગાવા માટે એક મિલિયનની ઓફર કરવામાં આવી હતી, જેના જવાબમાં લતાદીદીએ ચોખ્ખુંને ચટ્ટ સંભળાવી દીધું કે જો તમે મને પાંચ મિલિયનની ઓફર આપશો તો પણ હું આવું નહીં કરું.
આ સિવાય આશા ભોંસલેએ લતાદીદીની એવોર્ડ ફંકશનનો એક કિસ્સો સંભળાવતા જણાવ્યું હતું કે કોઈએ અમને લગ્નનું આમંત્રણ આપ્યું હતું અને તેમની પાસે મિલિયન ડોલર કે પાઉન્ડની ટિકિટ હતી. આમંત્રણ આપનારે એવું પણ કહ્યું હતું કે આશા ભોંસલે અને લતાદીદી બંને પર્ફોર્મ પણ કરે. દીદીએ મને પૂછ્યું કે તું લગ્નમાં ગાવાની છે કે? મેં કહ્યું નહીં… બસ પછી તેમણે મેનેજરને કહ્યું કે જો તમે 10 કરોડ ડોલર પણ ઓફર કરશો તો પણ અમે લગ્નમાં ગીત નહીં ગાઈએ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન માટે લતા મંગેશકરે એક સ્પેશિયલ મેસેજ સાથે ગાયત્રી મંત્ર અને ગણે સ્તુતિ રેકોર્ડ કરી હતી અને તેમનું આ રેકોર્ડિંગ ગુજરાતી અને હિંદુ વૈદિક પૂજા દરમિયાન વગાડવામાં આવ્યું હતું.