હું મોદીનો પરિવાર છું…’, લાલુ પર વળતો પ્રહાર કરતા પીએમ મોદીએ પરિવારવાદ સામે નવો નારો આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ સહિત સમગ્ર વિપક્ષ પર આકરો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે મારા પરિવારના કારણે મને નિશાન બનાવવામાં આવ્યો. પરંતુ, હવે આખો દેશ કહી રહ્યો છે કે અમે મોદીનો પરિવાર છીએ.
રવિવારે લાલુ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે જે લોકો પોતાના પરિવાર માટે ભ્રષ્ટાચાર કરે છે તેઓ મારા પરિવાર વિશે પૂછે છે. આટલું જ નહીં, લાલુ યાદવના વાંધાજનક નિવેદનનો ઈશારાથી જવાબ આપતા પીએમ મોદીએ 2024 માટે એક નવું સૂત્ર આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે દેશ પોતે કહી રહ્યો છે કે ‘હું મોદીનો પરિવાર છું’. પીએમ મોદીએ કહ્યું કે દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેનું દેશમાં કોઈ નથી તેની પાસે મોદી છે.
તેમણે વધુમાં કહ્યું, ‘આજે સમગ્ર દેશમાં મોદીની ગેરંટી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. મોદીની ગેરંટી એટલે મોદીની ગેરંટી પૂરી કરવાની ગેરંટી. TRS BRS બન્યા પછી પણ જાણે તેલંગાણામાં કંઈ બદલાયું નથી. તેવી જ રીતે, કોંગ્રેસ દ્વારા બીઆરએસને બદલવાથી કંઈપણ બદલાવાનું નથી. આ એ જ લોકો છે. તેઓ કાલે મને એમ પણ કહી શકે છે કે તમે ક્યારેય જેલમાં ગયા નથી, તેથી તમે રાજકારણમાં પ્રવેશી શકો નહીં.
પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘મારું જીવન એક ખુલ્લી કિતાબ છે. હું મારા દેશવાસીઓ માટે જીવીશ એવું સપનું લઈને મેં બાળપણમાં ઘર છોડ્યું હતું. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ રહેશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહિ હોય. તમારું સ્વપ્ન મારો સંકલ્પ હશે. તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે અને પરિવારના સભ્યની જેમ વર્તે છે. 140 કરોડ દેશવાસીઓ જ મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મોદીનો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. દેશના બાળકો વૃદ્ધ મોદીનો પરિવાર છે. જેમનું કોઈ નથી, તેઓ પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. હું તમારા માટે જીવું છું અને લડી રહ્યો છું.
જનમેદનીને સંબોધતા તેમણે અબ કી બાર 400 પારનો નારો પણ આપ્યો હતો. આ દરમિયાન તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભાજપની સરકાર આવતા પહેલા કોઈએ કલ્પના કરી હશે કે એક આદિવાસી મહિલા દેશની રાષ્ટ્રપતિ બનશે? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પણ અમે આદિવાસી સમુદાય માટે નિર્ણયો લીધા ત્યારે તેઓએ વિરોધ કરવાની કોઈ તક છોડી નહોતી.
નોંધનીય છે કે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા જ પીએમ મોદીએ સૂત્ર આપ્યું હતું – હું ચોકીદાર છું. આ સૂત્રનો ઘણો ઉહાપોહ થયો હતો. વિરોધ પક્ષોએ ચોકીદાર ચોર છે નો નારો ચલાવ્યો હતો જોકે, વિરોધ પક્ષોને ચોકીદાર ચોર છે બોલવું મોંઘુ પડી ગયું હતું અને પીએમ મોદી બીજી ટર્મ માટે પણ સત્તામાં આવી ગયા હતા. .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ પર વળતો પ્રહાર કરતા નવો નારો આપતા કહ્યું હતું કે આખો દેશ કહી રહ્યો છે કે, ‘હું મોદીનો પરિવાર છું.’ પીએમ મોદીના નારા બાદ તરત જ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, નીતિન ગડકરી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રોફાઈલ નામ બદલી નાખ્યા છે અને પોતાના નામની સાથે ‘મોદીનો પરિવાર’ શબ્દ જોડી દીધો છે. એમ લાગે છે કે લાલુના પીએમ મોદી પરના પ્રહારો બુમરેંગ સાબિત થશે અને આ શબ્દોના સહારે પીએમ મોદીની નૌકા કિનારે લાંગરી જશે.