ગુટેરેસે UNSCમાં સુધારાની કરી હિમાયત, ભારતમાં G20 સમિટના આયોજન પર કરી આ મોટી વાત
યુએન: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે શુક્રવારે આશા વ્યક્ત કરી હતી કે G20નું ભારતનું પ્રમુખપદ એવા ક્રાંતિકારી ફેરફારો લાવવામાં અસરકારક રહેશે જેની વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. તેમણે વિશ્વમાં વધતા વિભાજન અને ઘટતા વિશ્વાસ સામે પણ ચેતવણી આપી હતી. G20 સમિટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, “G20ની થીમ તરીકે ભારત દ્વારા અપનાવવામાં આવેલ સૂત્ર ‘એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય’ મહા ઉપનિષદથી પ્રેરિત છે અને આજના વિશ્વનો પડઘો પાડે છે. જો આપણે ખરેખર વૈશ્વિક કુટુંબ છીએ, તો આપણે આજે આના જેવું દેખાવું જોઈએ, નિષ્ક્રિય ન થવું જોઈએ.”
“મને આશા છે કે G20 નું ભારતનું પ્રમુખપદ ‘ગ્લોબલ સાઉથ’ વતી કામ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાઓ અને તેના વિકાસના એજન્ડાને આગળ ધપાવવાનો તેનો સંકલ્પ વિશ્વને જરૂર છે એવા ક્રાંતિકારી પરિવર્તનને આગળ વધારવામાં મદદ કરશે.” એમ તેમણે જણાવ્યું હતું.
યુએનના વડાએ કહ્યું હતું કે, “વિશ્વ પરિવર્તનના મુશ્કેલ સમયગાળામાં છે અને તેનું ભવિષ્ય બહુધ્રુવીય છે. વૈશ્વિક નાણાકીય માળખું જૂનું, નિષ્ક્રિય અને અન્યાયી છે. તેમાં ઊંડા માળખાકીય સુધારાની જરૂર છે અને UN સુરક્ષા પરિષદ વિશે પણ એવું જ કહી શકાય. હું માનું છું કે આજના વિશ્વની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે આપણે UN સુરક્ષા પરિષદમાં સુધારા કરવાની જરૂર છે.”
વિશ્વમાં ગરીબી, ભૂખમરો અને અસમાનતા વધી રહી છે અને વૈશ્વિક એકતાનો અભાવ છે. આપણે સામાન્ય ભલાઈ માટે સાથે મળીને કામ કરવું જોઈએ, એમ જણાવતા તેમણે G20 સભ્ય દેશોને આવા પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી, કારણ કે જી-20ના દેશો વૈશ્વિક અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરી રહ્યાં છે. ગુટેરેસે કહ્યું હતું કે બોહવાની કટોકટી ઝડપથી વધી રહી છે, પરંતુ સામૂહિક પ્રતિભાવમાં પ્રમાણિકતા અને તાકીદનો અભાવ છે. તેમણે કહ્યું હતું કે G20 નેતાઓએ આબોહવા અને ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા પર નેતૃત્વનું પ્રદર્શન કરવું જોઈએ.