ગાઝામાં યુદ્ધવિરામ પ્રસ્તાવ ગયો નિષ્ફળ, ઈઝરાયલ કૈરો મંત્રણામાંથી ખસી ગયું
કૈરોઃગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામનો પ્રસ્તાવ ખોરવાઈ ગયો છે. હમાસ સાથેની વાતચીતનો છેલ્લો રાઉન્ડ ઇજિપ્તની રાજધાની કૈરોમાં થઈ શક્યો ન હતો કારણ કે સશસ્ત્ર સંગઠન હમાસે બચી ગયેલા ઇઝરાયલી બંધકોના નામોની યાદી આપવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ સમજૂતી અંગેની વાતચીતમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો અને ઈઝરાયલનું પ્રતિનિધિમંડળ તેલ અવીવથી કૈરો રવાના થયું ન હતું. અગાઉ, ઇઝરાયલ 130 બંધકોને મુક્ત કરવાના બદલામાં રમઝાન મહિના દરમિયાન ગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામ માટે સંમત થયું હતું અને હમાસનું પ્રતિનિધિમંડળ મંત્રણાના અંતિમ રાઉન્ડ માટે રવિવારે ઇજિપ્તની રાજધાની કૈરો પહોંચ્યું હતું. ઇઝરાયલે હમાસ પાસે બે માગણી કરી હતી.
ઈઝરાયેલે બંધકોની યાદી માંગી હતી જેમાં હમાસે જણાવવાનું હતું કે તેના કેટલા બંધકો જીવિત છે અને બીજી માગ એ હતી કે બંધકોના બદલામાં ઇઝરાયેલની જેલોમાંથી પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે તેની સંખ્યા નક્કી કરવામાં આવે. જોકે, હમાસે બચી ગયેલા ઇઝરાયેલી બંધકોના નામોની યાદી આપવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે અમેરિકાએ પણ આ પ્રસ્તાવને પ્રોત્સાહક ગણાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે ગાઝામાં લડાઈ ટૂંક સમયમાં બંધ થઈ જશે. જોકે, હમાસના નકારાત્મક અને ઢીલા વલણને કારણે ઈઝરાયલે કૈરોમાં યોજાનારી મંત્રણામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેના શહેરો પર હમાસના હુમલા પછી, ઇઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ યુદ્ધમાં ત્રીસ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ પાંચ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં આ બીજો યુદ્ધવિરામ લેવાવવાનો હતો. અગાઉ નવેમ્બરમાં એક સપ્તાહનો યુદ્ધવિરામ હતો. તે સમયે હમાસે ઇઝરાયલના 105 લોકોને મુક્ત કર્યા હતા જેઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને બંધક બનાવવામાં આવ્યા હતા, બદલામાં ઇઝરાયલે ત્રણ ગણી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા.