આખલો અવરોધો વચ્ચે અટવાઇને પણ ગતિ જાળવી રાખશે, નિફ્ટી માટે તાત્કાલિક લક્ષ્યાંક ૨૨,૫૦૦
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ છવાયો છે અને ખાસ કરીને ટેક્નિકલ એનાલિસ્ટ માર્કેટ માટે ખૂબ જ બુલિશ સેન્ટિમેન્ટ ધરાવે છે અને એવી આગાહી કરી રહ્યાં છે કે, આખલો આ સપ્તાહમાં કોન્સોલિડેશનના ઝડકા સાથે પણ ઉર્ધ્વ ગતિ જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ટોચના ચાર્ટિસ્ટો અનુસાર નિફ્ટી માટે તાત્કાલિક લક્ષ્યાંક ૨૨,૫૦૦-૨૨,૭૫૦નું છે અને સપોર્ટ લેવલ ૨૨,૨૦૦ – ૨૨,૦૦૦ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શનની નવી શ્રેણીના પ્રથમ દિવસે પહેલી માર્ચે બજાર નવી ઊંચાઈએ પહોંચ્યું હતું અને બેન્ચમાર્ક ઇન્ડેક્સોને સતત ત્રીજા સપ્તાહે ગ્રીન ઝોનમાં આગળ વધવામાં મદદ કરી હતી. ત્રીજા ક્વાર્ટરના મજબૂત જીડીપી ડેટા, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સ્વસ્થ કામગીરી અને ફેબ્રુઆરી માટે મજબૂત ઓટો વેચાણ ડેટાએ સેન્ટિમેન્ટમાં પ્રાણ પૂર્યા હતા અને શેરબજાર નવી વિક્રમી સપાટી તરફ સતત આગળ વધતું રહ્યું હતું.
નિફ્ટી ૧૬૬ પોઈન્ટ વધીને ૨૨,૩૭૮ પર અને સેન્સેક્સ ૬૬૩ પોઈન્ટ વધીને ૭૩,૮૦૬ પર બંધ થયો હતો. વ્યાપક બજારનો દેખાવ સહેજ નબળો રહ્યો હતો. સપ્તાહ દરમિયાન નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩ ટકા અને સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૦૩ ટકા ડાઉન હતો.
જોકે, નિષ્ણાતો માને છે કે, આ સપ્તાહે પણ તેજીનો વેગ મજબૂત રહેવાની ધારણા છે. અલબત્ત યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટેસ્ટીમની, મંથલી ગ્લોબલ સર્વિસિસ પીએમઆઈ ડેટા, અમેરિકન આર્થિક ડેટા અને ચીનના ફુગાવાના ડેટા પર ફોકસ સાથે કોન્સોલિડેશન જોવા મળે એવી શક્યતા છે.
અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના રિટેલ રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે આર્થિક ડેટાના નવા સેટમાંથી સંકેતો લેતી વખતે અમે વર્તમાન ગતિ ચાલુ રહેવાની અપેક્ષા રાખીએ છીએ. યુએસ તરફથી વધારાના ડેટા જેમ કે પીએમઆઇ અને પેરોલ ડેટા અને ચીનના ફુગાવાના ડેટાની રજૂઆત બજારની ગતિશીલતાને પ્રભાવિત કરી શકે છે.
વૈશ્ર્વિક સ્તરે, રોકાણકારો ૬ અને ૭ માર્ચના રોજ જેરોમ પોવેલની ટેસ્ટીમની પર નજર રાખશે, જ્યારે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેેન, બેંકિંગ, હાઉસિંગ અને શહેરી બાબતોની સેનેટ સમિતિ સમક્ષ અર્ધવાર્ષિક નાણાકીય નીતિ અહેવાલ રજૂ કરશે. રિપોર્ટમાં ફુગાવા સામેની લડાઈમાં થયેલી પ્રગતિ અને વ્યાજદરમાં ઘટાડા માટેના સંકેતો સામેલ હોવાની અપેક્ષા છે.
વ્યાજદરો ૫.૨૫-૫.૫ ટકાની ૨૩ વર્ષની ઊંચી સપાટીએ છે અને છેલ્લી પોલિસીમાં, પોવેલે વર્તમાન કેલેન્ડર વર્ષમાં ત્રણ રેટ કટનો સંકેત આપ્યો હતો. છેલ્લા અઠવાડિયે ફેડરલ અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે, દર ગોઠવણોની ગતિ ઇનકમિંગ આર્થિક ડેટા પર આધારિત રહેશે.
યુએસ ૧૦-વર્ષની ટ્રેઝરી યીલ્ડ ચાર ટકાથી ઉપર રહી છે, જે ૨૩ ફેબ્રુઆરીના ૪.૨૫ ટકાની સામે પહેલી માર્ચે સપ્તાહમાં ૪.૧૮ ટકા પર સ્થિર થઇ હતી. આ સમયગાળા દરમિયાન ડોલર ઇન્ડેક્સ ૧૦૩.૯૪થી ઘટીને ૧૦૩.૮૯ થયો છે.
ટુંકમાં શેરબજારના ખેલાડીઓ માસિક સેવાઓ પીએમઆઇ ડેટા, ઇસીબી વ્યાજ દર નિર્ણય, કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના ત્રીજા ક્વાર્ટર માટે યુરો ઝોનના જીડીપી ડેટાના ત્રીજા અંદાજ અને ચીનના ફુગાવા પર પણ ધ્યાન આપશે. યુએસ જોબ ડેટા, બેરોજગારી દર અને ફેક્ટરી ઓર્ડર પણ અઠવાડિયા દરમિયાન જાહેર કરવામાં આવશે. ટોચના ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, નિફ્ટી-૫૦ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ આરએસઆઈ (રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ) અને એમએસીડી (મૂવિંગ એવરેજ ક્ધવર્જન્સ ડાઇવર્જન્સ)માં સકારાત્મક પૂર્વગ્રહ સાથે સતત ત્રીજા સપ્તાહમાં હાયર હાઇની રચના ચાલુ રાખી હોવાથી ખૂબ જ મજબૂત સ્થાને જામ્યો છે.
નિષ્ણાતો આગામી સપ્તાહમાં ૨૨,૩૦૦થી ઉપરના કોન્સોલિડેશનના નિર્ણાયક બ્રેકઆઉટ સાથે, ૨૨,૨૦૦ના તાત્કાલિક પ્રતિકારક અને સમર્થક સ્તર સાથે સમર્થન સાથે નિફ્ટી ૨૨,૫૦૦ સુધી પહોંચે એવી અપેક્ષા રાખે છે.
એક અન્ય અગ્રણી ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, બે મહિનાના કોન્સોલિડેશનના સમયગાળા પછી નિફ્ટી તેની તેજીની ગતિ ફરી શરૂ કરી રહી છે. ૨૨,૫૦૦એ તાત્કાલિક લક્ષ્ય સ્તર છે, જ્યારે ૨૨,૭૫૦એ આગામી લક્ષ્ય સ્તર છે. તેમના મતે ડાઉનસાઇડ પર, ૨૨,૨૦૦-૨૨,૦૦૦ મજબૂત ડિમાન્ડ ઝોન (સપોર્ટ લેવલ) તરીકે કામ કરશે. ઓપ્શન્સ ડેટા સૂચવે છે કે નિફ્ટી મધ્યમ ગાળામાં ૨૨,૮૦૦-૨૩,૦૦૦ના સ્તરને સ્પર્શી શકે છે પરંતુ તાત્કાલિક ગાળામાં તેને ૨૨,૨૦૦-૨૨,૦૦૦ના સપોર્ટ સાથે ૨૨,૫૦૦ના સ્તર પર પ્રતિકારનો સામનો કરવો પડી શકે છે.