વિલેપાર્લેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
મુંબઈ: ભરરસ્તે ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી કથિત હુમલો કરી ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના વિલેપાર્લેમાં બની હતી.
અંધેરી પશ્ર્ચિમમાં ફિલ્માલય સ્ટુડિયો નજીકની ઈમારતમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધર્મેશ શાહે (૩૬) નોંધાવેલી ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે ત્રણ અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો. આરોપીઓની ઓળખ મેળવવા માટે પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. પોલીસ ફરિયાદ અનુસાર ઘટના બુધવારની સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ વિલેપાર્લે પૂર્વમાં સુભાષ રોડ ખાતે બની હતી. રોજ પ્રમાણે શાહ ઘરે જવા ઑફિસેથી નીકળ્યો હતો. રિક્ષા પકડવા તે ઑફિસ નજીક ચાલતો ગયો ત્યારે પાછળથી આવેલા શખસોએ તેના પર હુમલો કર્યો હતો. પીઠ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતાં શાહે આરોપીઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો કરનારા ત્રણ જણ હોવાનું જોઈ શાહે મદદ માટે બૂમો પાડી હતી. રાહદારીઓ એકઠા થવા લાગતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.