નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં કેમ નહીં?
ઉદ્ધવ ઠાકરેેએ ભાજપ પર નિશાન સાધ્યું
મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં મહારાષ્ટ્રની એકપણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ શા માટે નથી એવો પ્રશ્ર્ન કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં સામેલ કરવામાં ન આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવતા ઉદ્ધવે કહ્યું હતું કે ભાજપે ૧૧૫ ઉમેદવારની યાદી જાહેર કરી.મને એક વાતનું આશ્ર્ચર્ય થાય છે કે હું નીતિન ગડકરીનું નામ ત્યારથી સાંભળું છું જ્યારે મેં નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નામ પણ નહોતું સાંભળ્યું. તેમણે બાળાસાહેબ ઠાકરેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેનું સપનું પૂરું કર્યું છે. તેમનું નામ પહેલી યાદીમાં નથી, પરંતુ બેહિસાબી સંપત્તિ જમા કરનારા કૃપાશંકર સિંહનું નામ પહેલી યાદીમાં છે.
ઉદ્ધવે ઇવીએમમાં ગોટાળાના મુદ્દો પણ ફરી ચગાવ્યો હતો અને કહ્યું હતું કે જો ભાજપ ઇવીએમમાં ગોટાળા કરીને ફરીથી સત્તામાં આવે તો તેમાં આશ્ર્ચર્ય ન થવું જોઇએ. તેનાથી ફક્ત લોકોમાં અસંતોષ નિર્માણ થશે.
શનિવારે ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી અને તેમાં મહારાષ્ટ્રના કોઇપણ ઉમેદવારોનાં નામ નહોતાં. જેને પગલે મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠકોની વહેંચણી હજી સુધી નક્કી ન થઇ હોવાની વાત પણ ચાલું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠક છે અને તેના ઉપર મહાયુતિના ત્રણ મુખ્ય પક્ષો શિંદે જૂથની શિવસેના, અજિત પવાર જૂથની એનસીપી અને ભાજપ આ ત્રણેય કોને ઉમેદવાર તરીકે ઊભા રાખે છે તેના ઉપર બધાની નજર મંડાયેલી છે.