સ્પોર્ટસ

‘લોર્ડ’ શાર્દુલ પહેલી સેન્ચુરી પછી આક્રમક અંદાજમાં ઝૂમી ઊઠ્યો

રણજીમાં મુંબઈને સરસાઈ અપાવનાર ઑલરાઉન્ડરે બીસીસીઆઇને કઈ સલાહ આપી?

મુંબઈ: ભારત વતી 83 ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલો ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર રવિવારે સાંજે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં કરીઅરની પહેલી જ સેન્ચુરી પૂરી કર્યા પછી બેહદ ખુશ હતો. રણજી ટ્રોફી સેમિ ફાઇનલમાં તેણે પહેલાં તો તામિલનાડુના અજિત રામના બૉલમાં છગ્ગો મારીને હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને સેન્ચુરી પણ એ જ સ્ટાઇલમાં (સિક્સરની મદદથી) પૂરી કરી એ સાથે બૅટ છોડીને દોડ્યો હતો અને કૂદી પડ્યો હતો.

તેની બૉડી લૅન્ગવેજમાં ગજબનો ઉત્સાહ, રોમાંચ, જોશ અને જુસ્સો હતા. કદાચ તે તેના ટીકાકારોને અને વારંવાર ભારતીય ટીમમાંથી તેને ડ્રૉપ કરનાર સિલેક્ટરોને બતાવી દેવા માગતો હતો કે બૅટિંગમાં પણ તે પરચો બતાડી શકે એમ છે.

આ પહેલાં, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 87 રન શાર્દુલનો હાઈએસ્ટ સ્કોર હતો. તેણે સદી પૂરી કરીને જે જોશપૂર્વક સદીનું જશન મનાવ્યું એનો વિડિયો ખૂબ વાયરલ થયો છે. તે નવમા નંબરે બૅટિંગ માટે ક્રીઝમાં આવ્યો ત્યારે મુંબઈનો સ્કોર સાત વિકેટે 106 રન હતો. એ સ્થિતિમાં તેણે હાર્દિક તમોરે (35 રન) સાથે આઠમી વિકેટ માટે 105 રનની અને 74 રને નૉટઆઉટ રહેલા તનુશ કોટિયન સાથે નવમી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.

રણજી સેમિ ફાઇનલમાં તેણે શનિવારે તામિલનાડુની બે વિકેટ લીધી હતી અને પછી રવિવારે માત્ર 105 બૉલમાં ચાર સિક્સર તથા તેર ફોરની મદદથી 109 રન બનાવ્યા હતા.

શાર્દુલ 12 વર્ષની કરીઅરમાં 300 જેટલી મૅચ રમ્યો છે, પણ ક્યારેય સેન્ચુરી નહોતો ફટકારી શક્યો. એ ઇચ્છા તેણે મહત્ત્વના સમયે (સેમિ ફાઇનલમાં) પૂરી કરી હતી અને મુંબઈને ફાઇનલની નજીક લાવી દીધું હતું. તામિલનાડુના પ્રથમ દાવના 146 રનના જવાબમાં રવિવારે મુંબઈનો સ્કોર 9 વિકેટે 353 રન હતો.

રવિવારની રમત પછી શાર્દુલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘જો આ જ રીતે માત્ર ત્રણ-ત્રણ દિવસના ગેપ સાથે કુલ 10 રણજી મૅચો રમાડતા રહેશો તો ખેલાડીઓને ઈજા થવાની સંભાવના વધી જશે. અગાઉ કોઈ પણ રણજી સીઝનમાં આવું ક્યારેય નહોતું બન્યું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button