રાયબરેલી નહીં, પણ અહીંથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. બધા પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. ભાજપે શનિવારે સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યાર બાદથી કૉંગ્રેસ સહિત વિપક્ષમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે તેના 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી બાદ એમ જણાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી નહીં, પરંતુ દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ અને દીવના કૉંગ્રેસ પ્રમુખ કેતન પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે.
કેતન પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કૉંગ્રેસ હાઇ કમાન્ડે તેમને કેટલોક ડેટા એકત્રિત કરવા કહ્યું હતું. જોકે, આખરી નિર્ણય તો પાર્ટી હાઇ કમાન્ડ જ લેશે.
પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે એવી ચર્ચા તો ઘણી વાર થઇ છે, પણ તેઓ હજી સુધી ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા નથી. પાર્ટીએ તાજેતરમાં તેમને પાર્ટીના મહાસચિવ પદે જાળવી રાખીને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા, જે સ્પષ્ટ સંકેત હતો કે પ્રિયંકા ગાંધી લોકસભાની ચૂંટણી લડશે. એમ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ રાયબરેલીથી ચૂંટણી લડશે. જોકે, હવે દીવ અને દમણથી તેમની ઉમેદવારીની અટકળો લગાવવામાં આવી રહી છે.
જોકે, સોનિયા ગાંધી ઉપરાંત ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી પણ રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા અને લોકસભામાં ગયા હતા. એ રીતે જોઇએ તો રાયબરેલીની સીટ પ્રિયંકા માટે આદર્શ છે. આ કૉંગ્રેસની સેફ સીટ છે. 1999ની લોકસભાની ચૂંટણીથી લઇને 2004, 2006ની પેટાચૂંટણી 2009, 2014, 2019ની ચૂંટણીમાં જીતનાર સોનિયા ગાંધી રાયબરેલીથી અજેય રહ્યા છે.
રાજકીય મોરચે જોઇએ તો શરૂઆતમાં પ્રિયંકા ગાંધી રાજકારણથી દૂર રહ્યા હતા. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેમણે માતા માટે પ્રચારનો વિભાગ સંભાળ્યો હતો, પણ તેઓ રાજકારણમાં સક્રિય બન્યા નહોતા. 2007ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો પણ તે અમેઠી અને રાયબરેલી સુધી જ સીમિત હતો. 2009, 2012 અને 2014 અને 2017માં પણ કૉંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે તેમણે હાજરી પુરાવી હતી. આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ઉત્તર પ્રદેશના પૂર્વ વિભાગના મહાસચિવ બનાવ્યા અને આમ તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા. જોકે પ્રિયંકા ગાંધીએ હજુ સુધી કોઈ ચૂંટણી લડી નથી.