…તો તમારા બધાના સૂંપડા સાફ થઇ જશે: જરાંગેની ફડણવીસને ધમકી
મુંબઈ: મરાઠા આંદોલનના ચળવળકાર મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર હત્યાના પ્રયાસનો ગંભીર આરોપ મૂક્યો ત્યારબાદ ફરી એક વખત ફડણવીસ ઉપર હુમલો કર્યો છે.
જરાંગેએ દેવેન્દ્ર ફડણવીસને જેલમાં મોકલી દેવાનો પડકાર ફેંકતા ધમકી આપી છે કે એક વખત તો મને જેલમાં અંદર નાંખી જ દો, પછી હું દેખાડું છું. તેમણે કહ્યું હતું કે જો ફડણવીસ મને જેલમાં નાંખવાનો પ્રયત્ન કરતા હોય તેમણે એ કરીને જ બતાવવું જોઇએ.
રવિવારથી જરાંગેના સંવાદ પ્રવાસનો આરંભ થયો હતો અને એ દરમિયાન બોલતા તેમણે ફડણવીસને ધમકી આપતા કહ્યું હતું કે ફડણવીસ પોલીસના કાન ભરે છે. મારા ઉપર એસઆઇટી તપાસનો આદેશ આપ્યો છે. પણ હું એક ઇંચ પણ પાછળ હટવાનો નથી. હું તપાસ માટે તૈયાર છું. ફડણવીસે મને એક વખત જેલમાં નાંખીને દેખાડવું જ જોઇએ. એ પછી શું થાય છે તે તમને ખબર પડશે. તમારા બધાના સૂંપડા સાફ થઇ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો ઉલ્લેખ કરતા જરાંગેએ પ્રશ્ર્ન કર્યો હતો કે મોદી અને શાહ વિરુદ્ધ મરાઠા સમાજના લોકોએ ઉમેદવારી નોંધાવવી એવો નિર્ણય મરાઠા સમાજે લીધો છે કે? મરાઠા કંઇપણ કરી શકે છે. સરકારે અમારા બેનર હટાવી નાંખવાની સૂચના આપી છે. જોકે, લોકસભાની ચૂંટણી દરમિયાન તમારે પણ અમારા ગામોમાં તમારા બેનર લગાવવા જ પડશે. અમારા ઘરની બહાર પોસ્ટરો લગાવવા માટે આવશો ત્યારે અમે પણ સહન નહીં કરીએ.