Supreme Court: ‘આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરતું હોય એ જરૂરી નથી’ સુપ્રીમ કોર્ટે આવું શા માટે કહ્યું?
નવી દિલ્હી: આત્મહત્યાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વખતે એવું જરૂરી નથી કે કોઈ કોઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરતું હોય, તેની પાછળ બેરોજગારી, ગરીબી, પ્રેમમાં નિરાશા સહિતના ઘણા કારણો હોઈ શકે છે.
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે માનવ મન એક રહસ્ય છે. કોઈના આત્મહત્યા કરવાના ઘણા કારણો હોઈ છે. માનવ મનના રહસ્યનો તાગ મેળવવો લગભગ અશક્ય છે. સ્ત્રી કે પુરૂષના આત્મહત્યા કરવા કે આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
વર્ષ 2000માં કર્ણાટકમાં એક મહિલાએ આત્મહત્યા કરી હતી, જેના માટે કર્ણાટક હાઈ કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ભાડુઆતને દોષિત ઠેરવ્યો હતો. હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
બેન્ચે કહ્યું કે તે શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરવામાં નિષ્ફળતા, કૉલેજ અથવા છાત્રાલયમાં દમનકારી વાતાવરણ, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના વિદ્યાર્થીઓ માટે બેરોજગારી, નાણાકીય મુશ્કેલીઓ, પ્રેમ અથવા લગ્નમાં નિરાશા, ગંભીર રોગો, ડિપ્રેશન વગેરેનો કારણો હોઈ શકે છે. તેથી, ઉશ્કેરણી હંમેશા આત્મહત્યા પાછળનું કારણ હોઈ શકે નહીં. તેની પાછળનું કારણ મૃતકની આસપાસના સંજોગો પણ હોઈ શકે છે.
આરોપ મુજબ કે મહિલાના મૃત્યુના થોડા સમય પહેલા, આરોપી ભાડુઆતે તેને લગ્ન કરવાનું કહીને છેડતી હતી. જ્યારે તેણે ના પાડી, ત્યારે ભાડુઆતે મહિલાના પરિવારને મારી નાખવાની, તેની બહેનોની ગરિમાનું અપમાન કરવાની ધમકી આપી હતી. ઘરે પહોંચીને મહિલાએ કથિત રીતે ઝેર પીને મરતા પહેલા તેની બહેનોને આ વાત કહી.
વર્ષ 2004 માં એક ટ્રાયલ કોર્ટે તે આરોપીને દોષી ઠેરવ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા પણ આવોજ ચુકાદો આપ્યો હતો.
દોષિત ઠરવા સામેની અપીલ પર ચુકાદો આપતાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે પડોશીઓની યોગ્ય રીતે પૂછપરછ કરવામાં આવી ન હતી અને સાક્ષીઓ ફરી ગયા હતાં. વધુમાં, ઝેરનો નમુનો પણ લેવામાં આવ્યો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપીને દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા નથી. કોર્ટે કહ્યું કે, જો કે મહિલાનું મૃત્યુ ચોક્કસપણે ખૂબ જ દુ:ખદ છે, પરંતુ આત્મહત્યા સાબિત થઈ છે તેવું કોઈ પણ અંશે નિશ્ચિતપણે કહી શકાય નહીં.