Gaza War update: ઇઝરાયલ છ અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત, અમેરિકાએ રાહત સામગ્રી એરડ્રોપ કરી
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડ(Joe Biden)ને આશા વ્યક્ત કરી હતી કે આવતા સોમવાર સુધીમાં ઇઝરાયલ(Israel) અને પેલેસ્ટાઇન(Palestine) વચ્ચે યુદ્ધ વિરામ અંગે સહમતી થઇ જશે. ગઈ કાલે શનીવારે એક અમેરિકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ પ્રસ્તાવિત ગાઝા યુદ્ધવિરામ અને બંધક મુક્તિ કરાર માટે સંમત છે, પરંતુ હવે યુદ્ધ વિરામ હમાસ પર નિર્ભર છે.
અધિકારીએ કહ્યું કે ઈઝરાયલે યુદ્ધવિરામ પ્રસ્તાવને લગભગ સ્વીકારી લીધો છે. પ્રસ્તાવ મુજબ, ગાઝામાં છ સપ્તાહના યુદ્ધવિરામની સાથે હમાસ બીમાર, ઘાયલ, વૃદ્ધો અને બંધક બનાવવામાં આવેલી મહિલાઓને પણ મુક્ત કરે, અત્યારે નિર્ણય હમાસે લેવાનો છે. અમે યુદ્ધવિરામ માટે શક્ય એટલા પ્રયાસ કરીશું.
બીજી તરફ અમેરિકાએ શનિવારે જોર્ડનના સહયોગથી ગાઝામાં માનવતાવાદી સહાય તરીકે વિમાન દ્વારા 38,000 ફૂડ પેકેટો ડ્રોપ કર્યા હતા. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, રાહત સામગ્રીના 66 બંડલ છોડવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ અને જોર્ડનિયન એર ફોર્સે શનિવારે બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે ગાઝામાં સંઘર્ષથી પ્રભાવિત નાગરિકો માટે આવશ્યક રાહત પુરવઠો એરડ્રોપ કર્યો હતો.
આ સંયુક્ત ઓપરેશનમાં યુએસ એરફોર્સ અને RJAF C-130 એરક્રાફ્ટ સામેલ હતા. એર ડિલિવરી માટે બંડલ તૈયાર કરવામાં આવ્યા હતા અને સૈનિકોએ ખાદ્ય સહાયની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરી હતી.
ગાઝામાં ઈઝરાયલ લગભગ છેલ્લા પાંચ મહિનાથી ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલી હુમલામાં ત્રીસ હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયલી દળોએ શનિવારે રફાહ શહેરમાં એક હોસ્પિટલ નજીકના શરણાર્થી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં 11 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી દળોએ દેર અલ-બાલાહ અને જબાલિયામાં ત્રણ ઘરોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં 17 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.