ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનના આર્થિક ડેટાઓ મિશ્ર આવ્યા હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે ગઈકાલે કોપર સહિતની ધાતુઓનાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ટીન અને નિકલમાં ઘટ્યા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. બે ઘટી આવ્યા હતા અને આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત ફેબ્રુઆરી મહિનામાં ચીનનાં પર્ચેઝિંગ મૅનૅજર્સ ઈન્ડેક્સમાં સતત પાંચમાં મહિનામાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, નોન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓને નવાં લ્યૂનાર વર્ષની ઉજવણી પેેટેની માગનો ટેકો મળ્યો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું. આમ ધાતુનાં મુખ્ય આયાતકાર દેશ ચીનના નબળા આર્થિક અહેવાલે ગઈકાલે લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલથી વિપરીત ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગનો ટેકો મળતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૭૫૪, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, ટીન અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૨૫, રૂ. ૭૧૬, રૂ. ૨૩૭૩ અને રૂ. ૧૪૮૦ અને કોપર આર્મિચર, બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૦૯, રૂ. ૫૧૫ અને રૂ. ૨૦૫ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે રૂ. ૧૮૨ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે છૂટીછવાઈ માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૭૧, રૂ. ૪૮૫, રૂ. ૧૬૨ અને રૂ. ૨૧૫ના મથાળે ટકેલા રહ્યા હતા.