ઉત્સવ

જયારે મૂક પ્રેમને વાચા મળી

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

મીનાના લગ્ન નક્કી થયા ત્યારે જ રાજેશે શ્ર્વસુરજીને કહ્યું હતું- કંપની તરફથી મારે કેનેડા જવાનું થશે, શું મીનાને ત્યાં ફાવશે?

હસુમતીબેન અને મનસુખલાલે કહ્યું- યુવાસંતાનોના ઉજ્જવળ ભાવિ માટે, તેમના સુખ માટે બધા માતા-પિતા ખુશ જ હોય. મારી મીનાને મેં કયારેય નજરથી અળગી કરી નથી. પણ,મારી મીના ભણેલી અને ગુણિયલ છે, જયાં જશે ત્યાં એડજેસ્ટ થઈ જશે. કેમ મીના સાચી વાત ?

મીનાએ રાજેશ સામે અણિયાળી નજરે જોતાં સ્મિત વેરતાં કહ્યું- આખરે દીકરી કોની, પણ પપ્પા વર્ષમાં એક વાર તો આપણે મળવાનું ખરું.
મીનાના લગ્ન રંગેચંગે થયા. ત્રણ મહિનામાં જ નવદંપતી કેનેડા જવાનાં હતાં, એરપોર્ટ પર ભાઈ મયંક અને સોનલભાભી આવ્યાં ત્યારે તેમને જોતાં મીના ખૂબ ઈમોશનલ થઈ ગઈ. આંખમાં અશ્રુ સારતાં બોલી- ભાઈ, મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. હું અહીં હતી ત્યારે કોઈ ચિંતા ન હતી. હવે તમે મુંબઈમાં છો. પપ્પાને એક વાર એટેક આવી ગયો છે, મમ્મીથી પણ કંઈ થતું નથી.
મીના તું નાહક ચિંતા કરે છે. મયંક તો પાંચ વર્ષથી મુંબઈ રહે છે. મારો ગારમેન્ટનો ધંધો ધીરજ સંભાળે છે, અને મારું બધું કામ કરે છે. ખોટી ચિંતા ન કર. મનસુખલાલે કહ્યું. પપ્પાએ ધીરજનું નામ લીધું તે મયંકને ન ગમ્યું.

તે બોલ્યો: મીના તું કોઈ ચિંતા કરતી નહીં. હું મહિનામાં એક-બે વાર વડોદરા આવીશ. પપ્પાના ધંધાનું, આપણી પ્રોપર્ટીનું પણ ફાઈનલ કરવાનું છે. ધીરજ પર ભરોસો ન રખાય. કહેતાં સોનલ સામું જોયું.

ચાલો, હવે બીજી કોઈ વાત કરો, મારી દીકરી હવે ક્યારે મળશે? કહેતાં હસુમતીબેન મીનાની પીઠ પસવારવા લાગ્યા. મયંકે બનેવીની કંપની વિષે અને કયાં રહેશો વગેરે વાતો કરી. મીના-રાજેશને શુભેચ્છા આપતાં ભારે હૈયે બધાં છૂટાં પડ્યાં.

મયંક અને સોનલ વડોદરાના ઘરે બે દિવસ રહ્યાં. રવિવારે સવારે મયંકે મનસુખલાલને કહ્યું- પપ્પા, મારો જવેલરીનો ધંધો સારો ચાલે છે. પણ, આપણા ઓપન પ્લોટ પર શું કરવું એ ફાઈનલ કરવું જોઈએ. હમણાં સારો ભાવ મળે છે.

હસુમતીબેન શાક સમારતા હતાં, સોનલ તેના લેપટોપ પર કામ કરતી હતી, પણ કાન તો મયંક અને પપ્પાજીની વાતમાં જ મંડાયેલા હતા.

જો, મયંક મેં તો તને કહ્યું જ છે કે મારે ત્યાં શાંતિવન- વૃદ્ધાશ્રમ શરૂ કરવો છે. ૩૦૦૦ સ્કેવર ફીટના એ પ્લોટ પર બે માળનું મકાન, સુંદર વનરાજી અને કૃત્રિમ તળાવ. દાદાએ આપણને એવું જ કહ્યું હતું. બેટા, સરકારની પરવાનગી મળે તો નાનું પ્રાણીઘર પણ થઈ શકે. પછી તો અમે પણ ત્યાં જ રહીએ.

પપ્પા, આપણી જમીનના બધા ડોકયુમેન્ટસની કોપી આપો, આપણે પછી વાત કરીશું. મારા એક મિત્રને પૂછી જોઉં, સોનલના પપ્પા પણ પ્રોપર્ટીનું કામ કરે છે, એમની સલાહ લઈએ.

મનસુખલાલ મયંકને નારાજ કરવા માગતા ન હતા,કારણકે ઘડપણનો એ એક જ આધાર હતો. એમણે જમીનના ડોકયુમેન્ટસ મયંકને આપી દીધા.

એ જ રાત્રે મયંક અને સોનલ મુંબઈ જવા નીકળી ગયાં.

વહાલી દીકરી વિદેશમાં ગઈ અને મહેમાનની જેમ આવેલા દીકરો-વહુ પણ લાગણીના ઠાલા શબ્દો આપીને ગયાં. ઘરમાં સન્નાટો અને એકલતા હસુમતીબેનને કોરી ખાતી હતી.મયંક જમીનના કાગળિયા લઈ ગયો, પણ માતા-પિતાની મૂંઝવણ કે
મનની વેદના સમજી ન શક્યો એ વાતે મનસુખલાલ દુ:ખી હતા.

હસુ, મારી એક વાત હૈયે જડી રાખજે, તું જેટલી લાગણીમાં તણાઈશ ને એટલી દુ:ખી થઈશ. જો, હવે આપણે ખરતું પાન, કોઈની માયા રાખવી નહીં. મનસુખલાલે કહ્યું.

પણ, આપણે કેવી રીતે સાથે રહેતા હતા, તમારા ત્રણ ભાઈઓ, બે બહેનાના કુટુંબ, બા-બાપા, દાદા આપણે બધા વ્યવહાર સાચવ્યા ને. આ મયંક મહેમાનની જેમ આવ્યો ને ગયો, એક વાર પણ કહ્યું કે તમે મુંબઈ આવો. જમીનનું શું કહેતો હતો?. હસુમતીબેન અકળાતાં બોલ્યાં.

સોનલના પપ્પા આર્કિટેકટનું કામ કરે છે. મયંક એમની સાથે વાત કરે પછી આપણે નક્કી કરીએ. એવું મયંકે કહ્યું છે.

મનસુખલાલના દરેક કામમાં ધીરજ મદદ કરતો. મયંકે સોનલને જમીનના ડોક્યુમેન્ટ બતાવતાં કહ્યું- પપ્પા અહીં વૃદ્ધાશ્રમ બાંધવાનું કહે છે.

આટલી સુંદર,વિશાળ અને મોકાની પ્રોપર્ટીને ફકત વૃદ્ધાશ્રમ બાંધવા અને નેચરલ સીન તરીકે વેડફી દેવાય નહીં. આ તો સોનાનો ટુકડો છે. આમાં આપણને શું ફાયદો? દર મહિને પાંચ કે છ લાખની ઈનકમ થાય એવું કાંઈ કરવું જોઈએ. મયંક યુ ગોટ માય પોઈંટ. સોનલે ભારપૂર્વક કહ્યું.

સોનલ તારી વાત સાચી છે. પણ, આ તો પપ્પાની પ્રોપર્ટી છે, એટલે હું વધુ કંઈ કહી ન શકું. મયંકની વાતને વચ્ચેથી અટકાવતાં સોનલે કહ્યું- ધેન ધેર ઈઝ નો યુઝ ઓફ ડિશકશન. ફરગેટ એવરીથીંગ.તારા પપ્પાને જે કરવું હોય તે કરે.પણ, આ પ્લાન હંબક છે.એના બદલે ફાઈવસ્ટાર હોટલ કે બિઝનેસ હબ કરીએ તો ખૂબ ફાયદો થાય. અને સાચું કહું તો પપ્પા સાથે તેમના ધંધા અંગે અને ઘર-પ્રોપર્ટીનું ફાઈનલ કરી લે. આગળ જતાં ઝઘડા ન થાય. મમ્મી-પપ્પા બંને હમણાં ધીરજના ખૂબ વખાણ કરે છે.

તે કરે જ ને ! એમની બહેનનો દીકરો છે.

ત્રણ મહિના થઈ ગયા પણ મયંકે વૃદ્ધાશ્રમ વિષે કોઈ વાત કરી નહીં. એક વાર ફોન પર જ કહ્યું- પપ્પા આવી સરસ જમીન પર ફાઈવસ્ટાર હોટલ કે આઈ.ટી સેન્ટર શરૂ કરો.

જો મયંક દાદાની અંતિમ ઈચ્છા પૂરી કરવા ત્યાં શાંતિવન આશ્રમ જ બંધાશે. બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ.

તારે કંઈ ન કરવું હોયતો કંઈ નહીં મારા ભાણેજ ધીરજની હું મદદ લઈશ. મનસુખલાલે અકળાતાં કહ્યું.

એટલે,પ્રોપર્ટીમાં મારા જેટલો જ ભાગ એ ધીરીયાને મળશે?

હા, કેમ નહીં. બાપ-દાદાની મિલકતમાં મારી બહેન માલતીનો પણ ભાગ છે. મનસુખલાલે કહ્યું.

જુઓ, પપ્પા મેં જે પ્લાન તૈયાર કર્યો છે, તે મારા પી.એ. સાથે મોકલાવું છું. તમે સહી કરો એટલે કામ શરૂ કરીએ. કહેતા મયંકે ફોન પટકાવી દીધો.

મનસુખલાલને મયંકના ઉધ્ધત વર્તનથી ખૂબ લાગી આવ્યું. એ ચિંતામાં ડૂબી ગયા. બે દિવસ પછી મયંકે એના પી.એ. સાથે પ્રોપર્ટીના કાગળો મોકલ્યા. સા
થે મયંકે હાથે લખેલી એક ચિઠ્ઠી હતી- પપ્પા, સોરી તે દિવસે હું અકળાઈ ગયો. તમે કહો છો તેમ શાંતિવન જરૂર બનશે, પાસેની ખુલ્લી જગ્યામાં એક માળનું આઈ.ટી સેન્ટર પણ બનાવીશું.
મનસુખલાલે સહી કરી. તરત મયંકને ફોન જોડ્યો- મારો દીકરો સમજુ છે. મારી વાત તેં માની. બેટા, ધીરજને પણ તારો ભાઈ ગણજે. મારી બેન મને સોંપી ગઈ છે.

હા, પપ્પા એ મારો ભાઈ જ છે.તમારી અને મમ્મીની સેવા એ જ તો કરે છે. જયારે મૂક પ્રેમને વાચા મળી ત્યારે પ્રેમનું સ્વર્ગ રચાયું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો