પતિમાંથી પિતા ને પત્નીમાંથી માતા સુધીની આકરી સફર

કેન્વાસ -અભિમન્યુ મોદી
ભીની તાજી માટીની લુગદી હોય. એ માટીનો કોઈ જ નિશ્ર્ચિત આકાર ન હોય. એ અસ્પષ્ટ ભીની માટીની લુગદીમાંથી તમે તમારી આવડત મુજબ કંઈ પણ બનાવી શકો. તમને જે આવડે તે-તમારી જે ઈચ્છા હોય તે… તમને જેવું ફાવે તેવું સર્જન એ માટીમાંથી થઇ શકે. એનાથી ચકલીથી લઇને મોર જેવા પંખી પણ બને, ઉંદરથી લઇને જિરાફ જેવા પ્રાણી પણ બને, સાઈકલથી સબમરીન સુધીના વાહનો પણ બને…કોઈ ક્લાત્મક શિલ્પ – પ્રતિમા કે પુષ્પ પણ બની શકે એ જ ભીની માટીમાંથી.
હા, શું બનાવવું છે એમાં માટીના બંધારણ ઉપર થોડો આધાર રહે ખરો, પણ માટી ભીની છે એમાં તમે તમારી જરૂરિયાત મુજબ તે માટીને વધુ મજબૂત બની શકે. એમાં બીજા દ્રવ્યો પણ ઉમેરી શકો ભેગા કરી જ શકો. એ પછી ભીની માટીમાંથી તમારી પસંદ મુજબ તમે કોઈ રચના ઘડો,જે સુકાઈને પાકી થઇ જશે. પછી એ રમકડું કે શિલ્પ બન્યા પછી તેનો ઘાટઘૂંટ બદલવાનો ઝાઝો અવકાશ નહીં રહે. હા, તમે એનો રંગ બદલી શકો- એની સજાવટ કરી શકો. પરંતુ એના આકારમાં તમે ફેરફાર ન કરી શકો.
ટેબલ બનાવ્યું હોય તો એમાંથી રિવોલ્વિંગ ચેર ન બને. કુંભાર માટલું બનાવ્યા પછી એમાંથી દીવો બનાવવાની કોશિશ કરે તો શું હાલ થાય? પણ જો તમારે તમારી ખુદની રચેલી કલાકૃતિને બદલવી જ હોય તો એને કાચકાગળથી ઘસવી પડે અથવા હથોડી-ટાંકણું લઇને એને ટીપવું પડે…
ધારી લો કે તમે માટલું બનાવ્યું એને તડકામાં સુકવીને પાક્કું થઇ જાય પછી તમને અફ્સોસ થાય કે મારા મિત્રએ બનાવેલું માટલું મારા કરતાં સારું કેમ લાગે છે?
આપણે અહીં વાત કરી રહ્યા છીએ કુંભારના રૂપમાં મા-બાપની અને ભીની માટીમાંથી જે શિલ્પ ઘડ્યું એ છે બાળક..!
પૃથ્વી ઉપરનો શ્રેષ્ઠ ચમત્કાર છે બાળક -એ દરેક યુગલના પ્રેમની નિશાની છે- ભગવાનનો પ્રસાદ છે…આવું આપણે માનીએ છીએ, પણ સવાલ એ પૂછવાનું મન થાય કે આપણે આ માનીએ તો છીએ પણ પાળીએ પણ છીએ ખરા? જો પાળતા હોત તો સમાજમાં બાળઉછેરમાં આટલા પ્રોબ્લેમ્સ થાત ખરા? ના, આપણે આ ફક્ત બોલવા ખાતર બોલીએ છીએ પણ પાળી નથી બતાવતા.
આપણે જેને ભગવાનની પ્રસાદી કે અમૂલ્ય ભેટ માનીએ છીએ એ નાનાં-નાજુક-નિર્દોષ જીવને આપણી જડ માન્યતા-ઈચ્છા મુજબ જ કેમ ઉછેરીએ છીએ? દરેક ઘરમાં જો બાળઉછેર સુયોગ્ય રીતે થતો હોત તો સમાજમાં આટલાં બધાં અપરાધ ગુનાઓ ન જ થતા હોત. એ ખરું કે કોઈ બાળક મહાત્મા થઇને નથી જન્મતું કે પછી ગુનેગાર બનીને પણ નથી જન્મતું. તમને તો કાચો પોચો માટીનો લોંદો જ મળે છે, પણ એમાંથી આપણને આવડે એવા જ મનપસંદ આકાર તો બનાવી લઈએ છીએ, પણ જે બની શકે કે એમાં અનેક ત્રૂટિ પણ હોય…!
સદીઓ પછી માનવી એટલું તો શીખ્યો છે કે મા-બાપ બનવું બિલકુલ સહેલું નથી અને સાથોસાથ મા-બાપ બનવું એ કઈ મોટી વાત પણ નથી.
મા બનવું- એક પરફેક્ટ મોમ બનવું એ દુનિયાની સૌથી અઘરી જોબ લાગે છે. બધાને એવું લાગતું હશે પણ સાથેસાથે એ પણ હકીકત છે કે મા બનીને કે પછી બાપ બનીને પણ આપણે કોઈ મોટો મીર નથી મારતા કે કોઈ મોટું તીર નથી મારતા. વર્તમાનમાં સાડા ત્રણ અબજથી વધુ વાલીઓ આપણી સાથે આ પૃથ્વી ઉપર વસે છે. એની પહેલાં આ પૃથ્વી ઉપર જન્મી ગયેલા મા-બાપ તો જુદા જ….
કહેવાનો મુદ્દો એ છે કે મા-બાપ બનવું એ મોટી વાત હોવા છતાં સાવ અનન્ય વાત પણ નથી. દરેક વાલીએ એક વાત એ ધ્યાનમાં રાખવી અવશ્ય જોઈએ કે તમે તમારાં સંતાનના માર્ગદર્શક છો, મિત્ર છો કે અમુક અંશે રખેવાળ પણ છે, પરતું સંતાનના માલિક તો નથી જ નથી.
ઋગ્વેદ ફ્કત ભારતનો જ નહિ, પણ વિશ્ર્વનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. એ મહાન ગ્રંથમાં સૌથી પહેલાં ‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ લખાયું છે. આચાર્યનો એટલે કે ગુરુનો નંબર છેક ત્રીજો છે. અર્થાત્ બાળકના પહેલા ગુરુ એની મા છે અને પછી પપ્પા… પણ આપણે આ ઋચાઓનો થોડો ઊલટો ઉપયોગ કરીને બાળકના મનમાં ઠસાવી દઈએ છીએ કે મા-બાપ તો ભગવાન છે. હા, ભગવાન છે મા-બાપ એ ભગવાનથી પણ વિશેષ છે. મા-બાપને, પરંતુ એ વાતનો અહેસાસ બાળકને એની મેળે થવો જોઈએ. બાળકોને આવી પ્રતીતિ કયારે થાય? મા-બાપનો ઉછેર એવો હોય તો જ! માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એ ખરેખર તો મા-બાપને પોતાની જવાબદારીનું ભાન કરાવતી પંક્તિ છે.
દરેક બાળક જન્મજાત કલાકાર હોય છે. બાળક ખુલ્લી મુઠ્ઠી અને બંધ આંખો સાથે આવે છે અને પછી એ મા-બાપના હાથમાં હોય છે કે એના હાથમાં શું આવે અને તે એની આંખોથી શું જુવે ?. વિસ્મયથી ફાટફાટ થતા બાળકની દરેક જીજ્ઞાસા સંતોષવી એટલું જ નહિ, પણ એને વધુ કુતૂહલ કરવા પ્રેરવું પણ એ મા-બાપની પહેલી ફરજ છે. એમને કુદરતના ખોળે રમવા દેવું-ખૂબ રમાડવું-નવું નવું બતાવવું-નવી વાત કઈ રીતે શીખવા મળે એની તરકીબો શીખવાડવી. એ જ રીતે, ક્યારેક પાડવા પણ દેવું અને આખાડ્યા પછી પોતાની જાતે ઊભું થતા પણ શીખવા દેવું એ પણ મા-બાપની એક ફરજ છે.
બાળક માનવજાતનો એક અંશ પહેલાં છે એ પછી કોઈના દીકરા કે દીકરી છે એ વાત હંમેશાં મગજમાં રાખવી. પછી આપોઆપ એ બાળકો મા-બાપને ભગવાનનો દરજ્જો આપશે.
શાંતિથી ઊભા રહો તો પતંગિયું સામેથી આવીને તમારા ખભે બેસશે, પણ જાણતા-અજાણતા પણ પતંગિયાને શીશામાં પૂરવા જેવું મોટું પાપ કયારેય ન આચરવું !આશરે ૭૯૧ શબ્દ
મા-બાપ-નાનો દીકરો-દીકરીનો સુખી પરિવાર છે અને આજુબાજુ એક -બે પતંગિયા ઊડે છે એવું રેખાચિત્ર લેવું…