પોલીસ એન્કાઉન્ટર્સ : કેટલા વ્યાજબી… કેટલા ગેરવ્યાજબી?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
આજકાલ નાની બાળાઓ પર બળાત્કાર થાય છે ત્યારે ગુસ્સે થયેલા લોકો માગણી કરે છે કે બળાત્કારીને પોલીસે ગોળી મારીને ફૂંકી મારવા જોઈએ… બે વર્ષ પહેલા હૈદરાબાદમાં પોલીસે બળાત્કારના આરોપીઓને ધોળે દિવસે ઠાર કર્યા પછી એ પોલીસ એન્કાઉન્ટરને લઈને જ પ્રજા-પોલીસ દળ અને ન્યાયના નિષ્ણાતો વચ્ચે જબરી ચર્ચા થઈ. જો કે, આ પોલીસ એકશનન-એન્કાઉન્ટરને બહુમતી પ્રજાએ વ્યાજબી ગણાવ્યું, જ્યારે એમ્નેસ્ટી, સામ્યવાદીઓ અને કહેવાતા માનવ અધિકારવાદીઓએ હંમેશ મુજબ કાગારોળ કરી. આવાં એન્કાઉન્ટરો કઈ પહેલી વખત થયા નથી એમ આખરી પણ નથી. વારેતહેવારે દેશના દરેક રાજ્યમાં પોલીસ એન્કાઉન્ટર કરતી રહે છે. કેટલાક કિસ્સાઓમાં એન્કાઉન્ટર વિશે વિવાદ થતો નથી, જ્યારે અમુક કિસ્સામાં રાજકારણનો ભોગ બનેલા પોલીસોને લાંબી જેલ પણ થઈ છે. કયું એન્કાઉન્ટર વ્યાજબી છે અને કયું ગેરવ્યાજબી છે એ રાજ્યમાં કયા પક્ષની સરકાર છે એને આધારે નક્કી કરવામાં આવે!
આંકડાકીય માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, આસામ, પં. બંગાળ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટરના કિસ્સા બન્યા છે. મહારાષ્ટ્રમાં તો થોડાં વર્ષો પહેલા માફિયાઓનું એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારીઓ લગભગ હીરો બની ગયા હતા.
પ્રદીપ શર્માના નામે ૩૧૨ જેટલા એન્કાઉન્ટર બોલાય છે જ્યારે દયા નાયકના નામે ૮૩, પ્રફુલ્લ ભોસલેના નામે ૭૭, રવિન્દ્રનાથ આંગરેના નામે ૫૪, સચિન વાંઝેના નામે ૬૩, અને ૨૬-૧૧ના હુમલામાં શહીદ થયેલા ઇન્સ્પેક્ટર વિજય સાલસકરના નામે ૬૧ જેટલા એન્કાઉન્ટર નોંધાયા છે. ૯૦ના દાયકામાં જ્યારે મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન, અમર નાયક અને અરુણ ગવળીની ગેંગનો ત્રાસ ચરમસીમા પર હતો ત્યારે મુંબઈ પોલીસના અધિકારીઓને એન્કાઉન્ટર કરી માફિયારાજને ખતમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એ વખતે એન્કાઉન્ટર કર્યા પછી ટીવી અને અખબારોના કેમેરામેનની સામે ગુંડાઓની લાશ સાથે એન્કાઉન્ટર કરનારા પોલીસો બિન્દાસ્ત રીતે તસવીરો પડાવતા હતા. મીડિયા કે માનવઅધિકારવાળા પણ એ વખતે વધારે ટીકા-ટિપ્પણી કરતા નહોતા. બધા માની જ લેતા હતા કે એન્કાઉન્ટર સાચા જ હશે અને ટપોરીઓ ભાગવા જતા પોલીસની ગોળીનો ભોગ બન્યા હશે. મુંબઈના કેટલાક ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ સાથે અંગત મિત્રતા હોવા છતાં એમણે કદી ઓફ ધ રેકર્ડ પણ કબૂલ કર્યું નથી કે ગુંડાઓને પકડીને એકાંત જગ્યાએ લઈ જઈ કઈ રાતે ઉડાવી દેતા હતા. મુંબઈમાં પોલીસના આ પ્રતિ આક્રમણને કારણે વર્ષો સુધી માફિયા સરદારોથી ત્રસ્ત સામાન્ય પ્રજાએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
એ જ રીતે પંજાબમાં આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે પંજાબ પોલીસના વડા તરીકે કે. પી. એસ. ગીલની નિમણૂક કરવામાં આવી હતી. કોઈ પણ દયાભાવ વગર ગીલે ખાલિસ્તાની આતંકવાદીઓને પકડી પકડીને ઉડાવી દીધા હતા. સુખવીંદરસિંહ બટ્ટ જેવા આતંકવાદીઓનો બચાવ કરનાર વકીલને પણ ૧૯૯૪માં પોલીસ ઉપાડી ગઈ હતી, જેની લાશ થોડા દિવસો પછી મળી આવી હતી.
૨૦૦૨થી ૨૦૦૬ સુધીના ચાર વર્ષમાં ગુજરાતમાં ૨૨ જેટલા એન્કાઉન્ટર થયા હતા. આમાંથી શોહરાબુદ્દીન શેખ, ઇસરત જહાં, સાદીક જમાલ અને તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર ખૂબ ચર્ચાસ્પદ બન્યા હતા. ગુજરાત પોલીસના ડી. જી. વણઝારા, અભય ચૂડાસમા તેમજ બીજા કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓ સામે કેન્દ્ર સરકારે તપાસ સમિતિ નિમી હતી અને લગભગ ૮ વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા પછી એમને જામીન મળ્યા હતા. એ વખતે પણ કેન્દ્રીય એજન્સીએ ગુજરાત પોલીસ અધિકારીઓની ધરપકડ કરી ત્યારે તેનો પ્રજાએ ભારે વિરોધ કર્યો હતો. ગુજરાત પોલીસે કરેલા એન્કાઉન્ટર પર રાજકીય રોટલા પણ શેકવામાં આવ્યા હતા.
કુખ્યાત વિરપ્પન જે ચંદનના લાકડાની દાણચોરી કરવા માટે કુખ્યાત હતો એણે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં હાહાકાર મચાવી દીધો હતો. વિરપ્પનને પકડવા માટે બનાવવામાં આવેલા સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ૨૦૦૪ની ૧૮મી ઓક્ટોબરે વિરપ્પનનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. સેકડો પોલીસ અધિકારીઓ અને નિર્દોષ ગ્રામજનોને મારનાર વિરપ્પનના મોતથી કેટલાક માનવઅધિકારવાળાઓને એટલું દુ:ખ થયુ હતું કે એમણે કકળાટ કરી મૂક્યો હતો. એજ રીતે ૨૦૦૮ની ૧૯મી સપ્ટેમ્બરે દિલ્હીના બાટલા હાઉસ ખાતે છુપાઈને રહેતા ‘ઇન્ડિયન મુઝાહીદ્દીન’ના આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માનું પણ મોત થયું હતું. નવાઈની વાત એ છે કે આ મામલે પણ કેટલાક માનવ અધિકારવાળાઓએ શંકા વ્યક્ત કરી હતી કે પોલીસે આતંકવાદીઓને પકડીને ઉડાવી દીધા હતા. જો આમ જ હોય તો ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માને કોણે માર્યા એ વિશે આ એન્કાઉન્ટરનો વિરોધ કરનારાઓ પાસે કોઈ જવાબ નહોતો.
મધ્ય પ્રદેશમાં ‘પોલીસ એન્કાઉન્ટર’ શબ્દનો ઉપયોગ પહેલી વખત ૯૦ના દાયકાની શરૂઆતમાં થયો હતો. ચંબલની ઘાટીઓના ડાકુને પોલીસ જ્યારે ઠાર મારતી હતી ત્યારે છાપાવાળાઓ આ શબ્દનો ઉપયોગ કરતા હતા. ૨૦૧૬ના વર્ષમાં મધ્ય પ્રદેશના ભોપાલ શહેરની જેલમાંથી સીમીના ૮ આતંકવાદીઓ, જેલના સુરક્ષા કર્મચારીની હત્યા કરીને ભાગ્યા હતા. આ આતંકવાદીઓએ અગાઉ પણ જેલના સુરક્ષા કર્મચારીની હત્યા કરી હતી અને જેલ તોડવી એમની લાક્ષણિકતા હતી. આવા ખતરનાક આતંકવાદીઓને જીવતા રાખવામાં કેટલું જોખમ છે એનો ખ્યાલ મધ્ય પ્રદેશની પોલીસને આવી ગયો હતો. જેલમાંથી ફરાર થયેલા તમામ આતંકવાદીને પછીથી ઠાર મારવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરનો વિરોધ કરનારાઓ એક વાત વારંવાર કરે છે કે જો આ રીતે જ ન્યાય તોળવાનો હોય તો પછી ન્યાયતંત્ર કે તપાસ એજન્સીની જરૂર જ શું છે ? આવી દલીલ કરનારા ભૂલી જાય છે કે ફોજદારી ગુનાનો સામનો કરતા લાખ્ખો ગુનેગારોમાંથી ૦.૦૦૧ ટકા ગુનેગારોના જ એન્કાઉન્ટર થતા હશે. પોલીસ કંઈ દરેક ગુનેગારોનો ન્યાય તોળીને એમને ઠાર કરી દેતી નથી. અપવાદરૂપ એન્કાઉન્ટરને સામે ધરીને આવા ટીકાકારો પ્રજાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે.
વિદેશના કેટલાક દેશની વાત તો આપણે જવા દઈએ, પરંતુ અમેરિકા અને યુરોપના ‘સુધરેલા’ દેશોમાં પણ રીઢા ગુનેગારો જ્યારે કાબૂ બહાર જાય ત્યારે એમના એન્કાઉન્ટર કરવામાં આવે છે.
અમેરિકાના એક નિવૃત્ત સૈનિક એસ. એલ. એ. માર્શલે ‘મેન અગેઇન્સ ફાયર’ નામનું પુસ્તક લખ્યું હતું , જેમાં એણે યુદ્ધમાં થતી હિંસાનો સખત વિરોધ કર્યો હતો. એન્કાઉન્ટર કરનાર પોલીસોનો વિરોધ કરવા નીકળેલાઓ આ માર્શલના પુસ્તકને ટાંકીને એવી દલીલ કરે છે કે પોલીસો પણ એન્કાઉન્ટરની વિરુદ્ધ છે, પરંતુ રાજકીય દબાણને કારણે એમણે આમ કરવું પડે છે. માર્શલે એના પુસ્તકમાં એવું લખ્યું હતું કે વિયેટનામ યુદ્ધ વખતે વિયેટનામના એક સૈનિકને મારવા અમેરિકનોએ ૫૦ હજાર ગોળીઓ ચલાવી હતી. ગધેડાને પણ તાવ આવે એવા અતિશયોક્તિભર્યા આંકડા આ લોકો ટાંકે છે.
૯૦ના દાયકાની શરૂઆતમાં શિવસેનાના નેતા રાજુ રિસાલદારે વડોદરામાં હાહાકાર મચાવી દીધો હતો. ૨૦થી વધુ હત્યા કરી હોવા છતાં પોલીસ એને અડકી શકતી નહોતી. એમ કહેવાય છે કે રિસાલદારને રાજકીય પ્રોટેક્શન હતું. જો કે છેવટે રિસાલદારના પાપનો ઘડો ભરાઈ ગયો અને તંત્રી ત્યાંના એક ગુજરાતી દૈનિકના તંત્રી દિનેશ પાઠકની હત્યા કરાવવાનું એને ભારે પડ્યું. આખા ગુજરાતમાં એટલો રોષ વ્યાપી ગયો કે છેવટે રિસાલદારનું એન્કાઉન્ટર કરવું પડ્યું. એ વખતે એન્કાઉન્ટર વિરોધીઓમાંથી કોઈએ ચૂ કે ચા કરી નહોતી, કારણ કે સમગ્ર વડદોરા અને ગુજરાતની પ્રજા રાજુ રિસાલદારને મરેલો જોવા જ માગતી હતી.
ભાગ્યે જ કોઈ પોલીસ અધિકારી નિર્દોષનું એન્કાઉન્ટર કરવા ઈચ્છતા હોય છે. કેટલાક અપવાદરૂપ એવા કિસ્સા બન્યા પણ હશે, પરંતુ એકલ-દોકલ એવા કિસ્સાને ચગાવવા કેટલા યોગ્ય છે ?