રણજી ટ્રોફી સેમિ ફાઇનલ: મુંબઈ સામે તામિલનાડુનો ધબડકો, 146 રનમાં ઑલઆઉટ
મુંબઈએ 45 રનમાં બે વિકેટ ગુમાવી: મધ્ય પ્રદેશ સામે વિદર્ભની ટીમ 170 રનમાં તંબુ ભેગી થઈ
મુંબઈ: અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈ અને તામિલનાડુ વચ્ચેની રણજી ટ્રોફી સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) શરૂઆતથી જ રસાકસીભરી બનશે એવું લાગતું હતું, પણ એવું ખાસ કંઈ જોવા નહોતું મળ્યું, કારણકે બન્ને ટીમ બહુ સારા ફૉર્મમાં હોવા છતાં મુંબઈએ શનિવારના પ્રથમ દિવસે પ્રભુત્વ જમાવ્યું હતું.
તામિલનાડુની ટીમ બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆતથી જ મુસીબતમાં મુકાઈ ગઈ હતી, બૅટિંગ પસંદ કરવાનો કૅપ્ટન બી. સાંઈ કિશોરનો નિર્ણય ભૂલભરેલો લાગ્યો હતો અને છેવટે એનો દાવ 146મા રન પર પૂરો થઈ ગયો હતો. જોકે પછીથી મુંબઈએ 45 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પૃથ્વી શો માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને ભુપેન લાલવાણીએ 15 રનમાં વિકેટ ગુમાવી હતી. મુશીર ખાન 24 રને અને મોહિત અવસ્થી એક રને રમી રહ્યો હતો. તામિલનાડુના કુલદીપ સેન અને સાંઈ કિશોરે એક-એક વિકેટ લીધી હતી. મુંબઈની ટીમ પ્રથમ દાવમાં મોટી સરસાઈ મેળવીને તામિલનાડુ પર વધુ હાવિ થઈ શકે.
શનિવારે સવારે મુંબઈના બોલરોએ વહેલી સવારના ભેજનો ફાયદો લીધો હતો. ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે તામિલનાડુના મુખ્ય બૅટર સાંઈ સુદર્શનને મૅચના ચોથા જ બૉલ પર એલબીડબ્લ્યૂમાં શિકાર કરી લીધો હતો. ત્યાર બાદ બીજા બે પેસ બોલર પણ તામિલનાડુની ટીમ પર ત્રાટક્યા હતા અને બન્ને બોલરે એક-એક વિકેટ લઈને તામિલનાડુને વધુ મુશ્કેલીમાં મૂકી દીધું હતું. કૅપ્ટન સાંઈ કિશોરની ચોથી વિકેટ વખતે તામિલનાડુનો સ્કોર ફક્ત 17 રન હતો.
ભારત વતી રમી ચૂકેલા બે ઑલરાઉન્ડર વિજય શંકર (44 રન) અને વૉશિંગ્ટન સુંદર (43 રન) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 48 રનની ભાગીદારી એ મુંબઈના બોલરોને થોડા હંફાવ્યા હતા. એ સિવાય, આખા દિવસની રમતમાં મુંબઈનું વર્ચસ્વ જળવાયું હતું. તુષાર દેશપાંડેએ ત્રણ તેમ જ શાર્દુલ, મુશીર ખાન અને તનુષ કોટિયને બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ મોહિતને મળી હતી. મુખ્ય સ્પિનર શમ્સ મુલાણી એક પણ વિકેટ નહોતો લઈ શક્યો, પરંતુ બીજા દાવમાં તામિલનાડુના બૅટર્સ તેની જાળમાંથી નહીં બચી શકે.
નાગપુરમાં બીજી સેમિ ફાઇનલમાં મધ્ય પ્રદેશ સામે વિદર્ભની ટીમ માત્ર 170 રનમાં આઉટ થઈ ગઈ હતી. મધ્ય પ્રદેશના આવેશ ખાને 49 રનમાં ચાર તેમ જ કુલવંત ખેજરોલિયા તથા વેન્કટેશ ઐયરે બે-બે વિકેટ લીધી હતી. કરુણ નાયરના 63 રન વિદર્ભની ટીમમાં હાઈએસ્ટ હતા. રમતના અંત સુધીમાં મધ્ય પ્રદેશે 47 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશ દુબેની વિકેટ ઉમેશ યાદવે લીધી હતી.