ભારત અને શ્રીલંકા રામાયણ એ સામાન્ય સાંસ્કૃતિક કથા: શ્રીલંકન પ્રધાન
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા માટે રામાયણ એક સામાન્ય સાંસ્કૃતિક કથા તરીકેનું કામ કરે છે, સાંસ્કૃતિક જાગૃતિ અને સંબંધોને મજબૂત બનાવવામાં તેનું યોગદાન છે, એમ શ્રીલંકાના પ્રધાન જીવન થોંડામાને શુક્રવારે જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો બદલી ન શકાય એવા ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, એમ પણ તેમણે કહ્યું હતું.
થોંડામાન દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (એનજીએમએ)માં આયોજિત બે મહિના લાંબા પ્રદર્શન ‘ચિત્રકાવ્યમ રામાયણમ’ના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.
થોંડામાન શ્રીલંકાના પાણી પુરવઠા અને માળખાકીય સુવિધા વિકાસ ખાતાના પ્રધાન છે. તેમણે કહ્યું હતું કે સભ્યતા અને સંસ્કૃતિના આદાનપ્રદાનમાં લોકોથી લોકોના સંબંધોને મોટો આધાર આપવામાં આવ્યો છે.
આ પ્રદર્શન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના એક મહિના બાદ શરૂ કરવામાં આવ્યું છે અને તે પરંપરાગત મિનિયેચર આર્ટ પ્રકારથી લઈને મોર્ડન ડિજિટલ ઈન્સ્ટોલેશન સુધી મહાકાવ્ય રામાયણ પર આધારિત છે.
આપણે નસીબદાર છીએ કે નેશનલ ગેલેરીમાં ઊભા રહીને કેવી રીતે કલા સાંસ્કૃતિક વારસાના જતનમાં મહત્ત્વનું અને પ્રભાવશાળી કામ કરી શકે છે તે જોઈ શકીએ છીએ.
પોતાના વક્તવ્યમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ રાવણને ક્યારેય વિલન માનતા નથી. તેમણે કહ્યું હતું કે અમારી કથામાં રાવણનો ઉલ્લેખ હંમેશા સક્ષમ વહીવટકર્તા તરીકે કરવામાં આવ્યો છે. સંત વાલ્મીકીના રામાયણમાં પણ આવો જ ઉલ્લેખ છે. યુદ્ધમાં રાવણ પડ્યો ત્યારે તેની પાસે બેસીને ભગવાન રામે રાજનીતિ અને વહીવટીતંત્રનું જ્ઞાન મેળવ્યું હતું.
આથી સીતાના અપહરણ છતાં અમે ક્યારેય રાવણને વિલન તરીકે જોયો નથી, એમ તેમણે કહ્યું હતું.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સંયુક્ત રીતે શ્રીલંકાના પ્રધાન અને ભારતના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન મિનાક્ષી લેખી દ્વારા કરવામાં આવ્યું હતું. (પીટીઆઈ)