ધોની વિશે તેના બાળપણના મિત્રએ કહ્યું, ‘આ તેની છેલ્લી આઇપીએલ નહીં હોય’
સીએસકેના ખેલાડીઓએ આઇપીએલ માટે કૅમ્પની શરૂઆત કરી
ચેન્નઈ: મહેન્દ્રસિંહ ધોની વિના આંતરરાષ્ટ્રીય ફલક સાવ સૂનું થઈ ગયું છે અને હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના મેદાનો પર પણ તેના વગર સૂના થઈ જાય એ સમય બહુ દૂર નથી. અસંખ્ય મિત્રો, ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના સાથી ખેલાડીઓ અને કરોડો ચાહકોની અરજ કહો કે માગણી કહો કે આજીજી કહો, તેણે ગયા વર્ષે આઇપીએલને પણ ગુડબાય કરવાનું માંડી વાળ્યું હતું અને હવે આ વખતે ફરી રમવાની તૈયારીમાં જ છે.
તે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેકટર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપીને ચેન્નઈમાં સીએસકેના કૅમ્પમાં સાથીઓ સાથે જોડાઈ જશે અને ત્યાર બાદ બાવીસમી માર્ચે શરૂ થતી આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની પ્રથમ મૅચમાં રમવા ઊતરશે.
મુખ્ય વાત એ છે કે ધોનીના બાળપણના મિત્ર પરમજિતે બહુ સરસ કહ્યું છે. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે એમએસ ધોનીની આ છેલ્લી આઇપીએલ સીઝન છે. તે એકદમ ફિટ છે અને મને તો લાગે છે કે 2024 પછી તે વધુ એક સીઝન રમશે.’
સીએસકેના ખેલાડીઓએ શનિવારે ચેન્નઈમાં આઇપીએલની 2024ની સીઝન માટેનો કૅમ્પ શરૂ કર્યો હતો. આ પ્રૅક્ટિસ કૅમ્પ માટેના ખેલાડીઓનું પ્રથમ જૂથ શુક્રવારે ચેન્નઈ આવી પહોંચ્યું હતું. સૌની નજર આવનારા દિવસોમાં કૅપ્ટન ધોની પર તો રહેશે જ, પેસ બોલર દીપક ચાહર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. તે ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાંથી ઈજાને કારણે નીકળી ગયા બાદ પહેલી વાર રમતો જોવા મળશે.