ન્યૂ ઝીલૅન્ડ જીતશે તો ઘણા રેકૉર્ડ તૂટશે, પણ લાયન અને મેઘરાજા બાજી બગાડી શકે
વેલિંગ્ટન: ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ન્યૂ ઝીલૅન્ડમાં આવીને ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડનો 3-0થી સફાયો કરી નાખ્યો, પણ હવે કાંગારૂઓ સામે પ્રથમ ટેસ્ટમાં વિક્રમ સાથે વિજય મેળવવાનો કિવીઓને બહુ સારો મોકો મળ્યો છે. આ પરીક્ષા અત્યંત આકરી છે, પરંતુ અનિશ્ર્ચિતતાથી ભરી ક્રિકેટની રમતમાં કંઈ પણ પરિણામ શક્ય છે.
બન્ને દેશ વચ્ચેની પહેલી ટેસ્ટમાં ત્રણેયમાંથી કોઈ પણ પરિણામ આવી શકે એમ છે. શનિવારના ત્રીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડે 369 રનનો લક્ષ્યાંક મેળવવાની શરૂઆત કરી દીધી, પરંતુ 111 રનમાં એણે ત્રણ વિકેટ ગુમાવી દીધી એટલે ઑસ્ટ્રેલિયાની જીતની સંભાવના વધુ છે. રવિવારના ચોથા દિવસે વરસાદની સંભાવના હોવાથી બાજી બગડી શકે અને સોમવારના આખરી દિવસે પણ વરસાદ પડશે તો ડ્રૉની શક્યતા છે. જોકે ન્યૂ ઝીલૅન્ડ જો 369 રનનો ટાર્ગેટ મેળવી લેશે તો એની જીત રેકૉર્ડ-બુકમાં આવશે, કારણકે ન્યૂ ઝીલૅન્ડમાં કિવીઓની ટીમે ચોથા દાવમાં સફળતાથી લક્ષ્યાંક ચેઝ કર્યો હોય એમાં 324 રનનો સ્કોર હાઈએસ્ટ છે.
ન્યૂ ઝીલૅન્ડને જીતવા માટે પહેલાં પાર્ટ-ટાઇમ સ્પિનર ગ્લેન ફિલિપ્સ (16-4-45-5)એ પાયો નાખી આપ્યો અને પછી બૅટિંગમાં ન્યૂ ઝીલૅન્ડે 111 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા પછી રાચિન રવીન્દ્ર (56 નૉટઆઉટ)એ અણનમ હાફ સેન્ચુરી સાથે નવી આશા અપાવી છે. તેની સાથે ડેરિલ મિચલ 12 રને રમી રહ્યો હતો. ટૉમ લેથમ (8), વિલ યંગ (15) અને કેન વિલિયમસન (9) સસ્તામાં આઉટ થયા હતા. ત્રણમાંથી બે વિકેટ ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયને લીધી હતી.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક તબક્કે 37 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી અને પછી આખી ટીમ 164 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. ગ્લેન ફિલિપ્સની પાંચ વિકેટ ઉપરાંત મૅટ હેન્રીએ ત્રણ અને ટિમ સાઉધીએ બે વિકેટ લીધી હતી.
ન્યૂ ઝીલૅન્ડની ટીમે આ ટેસ્ટમાં એક પણ રેગ્યુલર સ્પિનરને નથી રમાડ્યો. સેક્ધડ ઇનિંગ્સમાં કૅપ્ટન ટિમ સાઉધીએ પાર્ટ-ટાઇમ સ્પિનર ગ્લેન ફિલિપ્સ પર વિશ્ર્વાસ મૂકીને તેને સ્પિન આક્રમણની શરૂઆત કરવાની જવાબદારી સોંપી હતી. સાઉધીએ મૂકેલો વિશ્ર્વાસ ફિલિપ્સે યોગ્ય ઠરાવ્યો. ફિલિપ્સે કરીઅરમાં પહેલી વાર જે પાંચ વિકેટ લીધી એમાં ઉસમાન ખ્વાજા (28 રન), પ્રથમ દાવના સેન્ચુરિયન કૅમેરન ગ્રીન (34), ટ્રેવિસ હેડ (29), મિચલ માર્શ (ફર્સ્ટ બૉલ ડક) અને ઍલેક્સ કૅરી (3)નો સમાવેશ હતો.