Gautam Gambhir: ‘ડરીને ભાગી ગયા…’ ચૂંટણી ન લડવાના નિર્ણય અંગે AAPના ગંભીર પર પ્રહાર
દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગૌતમ ગંભીર(Gautam Gambhir)એ શનિવારે કહ્યું કે રાજકીય જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરવા તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપવા ઈચ્છે છે. ગૌતમ ગંભીરના રાજકારણ છોડવા અંગે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહારો કર્યા છે. AAPના પ્રધાન આતિષીનું કહેવું છે કે ભાજપ લોકોની યોગ્યતા જોયા વગર જ તેમને ટિકિટ આપે છે.
દિલ્હી સરકારના પ્રધાન અને AAP નેતા આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘આજે ગૌતમ ગંભીરે પોસ્ટ કર્યું કે તેઓ હવે રાજકારણમાંથી સંન્યાસ લઈ રહ્યા છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે ભાજપે ગૌતમ ગંભીરની ટિકિટ કાપી છે. ભાજપનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે યોગ્યતા જોયા વિના પહેલા તે કોઈપણ વ્યક્તિને ટિકિટ આપે છે, પછી તે ભાજપના સાંસદ હોય, વિધાનસભ્ય હોય કે કાઉન્સિલર હોય. ભાજપના ચૂંટાયેલા એકપણ પ્રતિનિધિ તેમના વિસ્તારના લોકો વચ્ચે દેખાતા નથી કે કોઈ કામ કરતા નથી. ગૌતમ ગંભીરે છેલ્લા પાંચ વર્ષથી પોતાના વિસ્તારમાં કોઈ કામ કર્યું નથી.’
આતિશીએ ભાજપને પડકાર ફેંક્યો હતો કે, દિલ્હીના તેના 7 સાંસદોના રિપોર્ટ કાર્ડ રજુ કરે. તેમણે કહ્યું કે જ્યારે એલજી દિલ્હી સરકારનું કામ રોકી રહ્યા હતા તો આ 7 સાંસદો શું કરી રહ્યા હતા? તેમણે કહ્યું કે જ્યારે સંસદમાં દિલ્હીના બંધારણીય અધિકારોની હત્યા થઈ રહી હતી ત્યારે આ 7 સાંસદો ક્યાં હતા?
ગૌતમ ગંભીર પર નિશાન સાધતા આતિશીએ કહ્યું કે, ગંભીર પૂર્વ દિલ્હીથી ભાગી ગયા છે… મેં ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, પરંતુ તેણે ભાગી જવાનું નક્કી કર્યું… ભાજપ દ્વારા નકામા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે. 5 વર્ષ પછી તેઓ આ ઉમેદવારોને બદલી નાખે છે.. ગંભીર પાસે ક્રિકેટ કોમેન્ટ્રી કરવાનો સમય હતો પરંતુ તેની પાસે લોકો માટે કામ કરવાનો સમય નહોતો.
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય અને પૂર્વ દિલ્હી લોકસભા સીટના ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર કુલદીપ કુમારે પણ ગૌતમ ગંભીર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, ‘તેઓ દિલ્હીના લોકોને મળતા જ નથી.. તેમણે કોઈના સુખ-દુઃખની પરવા નથી કરી.. તેઓ કોઈ બેઠકમાં ગયા નથી. ગંભીર માત્ર એક હવાબાજ છે અને જનતા સાથે જોડાયેલા લોકો સામે હવાબજો ઉડી ગયા છે.’