Bullet Train Project: ‘અમારી જમીન કેમ સંપાદિત કરવામાં ન આવી’, સુરતના ખેડૂતો કેમ HCમાં પહોંચ્યા

અમદાવાદ: ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સામે સામાન્ય રીતે ખેડૂતોની નારાજગી જોવા મળતી હોય છે. અમદવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet train) માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદન(Land acquisition)ની પ્રક્રિયા હાલમાં જ પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2018 માં ગુજરાત રાજ્યના 1,000 થી વધુ ખેડૂતોએ ટેકનિકલ આધારો પર અમદાવાદ-મુંબઈ બુલેટ પ્રોજેક્ટ માટે તેમની જમીનના સંપાદનનો વિરોધ કરીને ગુજરાત હાઈ કોર્ટ(Gujarat Highcourt) સમક્ષ ગયા હતા.
હવે છ વર્ષ પછી મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે હસ્તગત કરવામાં આવેલી જમીન માટે સારું એવું વળતર ચુકવવામાં આવ્યું છે, ત્યાર બાદ કેટલાક જમીન માલિકોએ તેમની જમીન સંપાદિત ન થતા હાઇકોર્ટમાં અરજી કરી. તાજેતરમાં સુરત જિલ્લાના પાંચ ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરીને પ્રશ્ન કર્યો હતો કે નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા તેમની જમીન કેમ સંપાદિત કરવામાં ન આવી.
અહેવાલો મુજબ અંત્રોલી ગામના જમીનમાલિકોએ હાઈકોર્ટને વિનંતી કરી કે NHSRCLને તેમની ખેતીની જમીન સંપાદિત કરવા નિર્દેશિત કરે. અરજીમાં જણાવવામાં આવ્યું કે પ્રોજેક્ટ હેઠળ ગામની ગોચરની જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું, જેની સામે પ્રશાસને ગોચર માટે વધારાની જમીન પૂરી પાડવાની હતી જેને માટે, NHSRCL એ કેટલાક પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું, જે નોન-એગ્રીકલ્ચર (NA) એટલે કે બિન ખેતીની જમીનનો દરજ્જો ધરાવે છે.
NHSRCL એ અંત્રોલી ગામમાં બિન જમીનની ખરીદી માટે જાન્યુઆરીમાં પ્રાથમિક સૂચના બહાર પાડી હતી, જેની સામે ગામના પાંચ જમીન માલિકોએ બિન ખેતી જમીન ખરીદવાના NHSRCLના નિર્ણયનો સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જમીન માલિકોએ દલીલ કરી હતી કે જ્યારે ગૌચરને અડીને આવેલી તેમની ખેતીની જમીન સંપાદન માટે સહેલાઈથી ઉપલબ્ધ હોય, ત્યારે NHSRCL એ બિન ખેતી જમીન ન ખરીદવી જોઈએ, જેના માટે તેણે ખેતીની જમીન કરતાં 1.5 ગણી વધુ ચૂકવણી કરવી પડશે.
બિન ખેતી જમીન ખરીદવાથી સરકારી તિજોરીને જ નુકસાન થશે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે આ અરજીને “સંપૂર્ણ રીતે ખોટી માન્યતા” ગણાવીને ફગાવી દીધી હતી.