Happy Birthday: આજે સિક્સ પેક્સ માટે બધાના ફેવરિટ આ સ્ટારને એક સમયે છોકરી કહીને ચિડવતા
કોઈના પણ બાહ્ય દેખાવ, ફિઝિકલ લૂકથી તેને જજ કરવાની, તેની ઠેકડી ઉડાવવાની બહુ ખોટી ટેવ આપણને છે. આનો ભોગ ક્યારેક તો સહુ કોઈ બને છે. ફિલ્મસ્ટાર અથવા સ્ટારકિડ્સ પણ આનાથી બચી શકતા નથી. જોકે આવી અડચણોને ગણકાર્યા વિના એક સ્ટારકિડ્સ આજે માચૉ મેન બની ગયો છે અને તેના સિક્સ પેક્સ અને લૂકને લીધે તે એક્શન હીરો કહેવાય છે. આ હીરો એટલે આપણા ગુજ્જુ જેકીદાદાનો દીકરો જય હેમંત. હા એજ આપણે જેને ટાઈગર શ્રોફના નામે ઓળખીએ છીએ. આ ટાઈગર શ્રોફનો 34મો જન્મદિવસ છે.
ટાઈગરે પોતાના એક ઈન્ટરન્યુમાં કહ્યું હતું કે તેનો લૂક ક્યૂટ અને સોફ્ટ હોવાથી લોકો તેને છોકરી જેવો કહી ચિડવતા હતા. હીરોપંતી ફિલ્મ શૂટ થઈ ત્યારથી રિલીઝ સુધી મને આ હીરો છે કે હીરોઈન એમ કહી ટ્રોલ કરવામાં આવતો હોવાનું તેણે જણાવ્યું હતું.
જોકે જેકી શ્રોફના દીકરાએ આ વાતથી હાર ન માની અને પોતાના બૉડી પર એટલું કામ કર્યું કે આજે યુવાનોને તેના જેવા મસલ્સ જોઈએ છે અને તેના જેવો લૂક મેળવવા તેઓ પણ જીમમાં કલાકો પસાર કરે છે. ટાઈગરની બીજી એક વાત પણ અમે તમને જણાવી દઈએ. નાનો હતો ત્યારે ટાઈગરને એક એવી ટેવ હતી જે ઘણા બાળકોને હોય છે. ટાઈગરને બચકાં ભરી લેવાની ટેવ હતી. ઘરે મહેમાનો આવે તો ટાઈગર તેમને પણ બચકાં ભરી લેતો હતો.
જોકે ફિલ્મોની વાત કરીએ તો તેની બાગી સિવાયની ફિલ્મોએ ખાસ દેખાવ કર્યો નથી. થોડા સમય પહેલા રીલિઝ થયેલી બિગ બજેટ ફિલ્મ ગણપત પણ પીટાઈ ગઈ હતી. હવે તેની અક્ષય કુમાર સાથે આવનારી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં પર તેની નજર છે. ટાઈગરની ફિલ્મ સુપરહીટ થાય તેવી શુભકામના.