વીક એન્ડ

મારે કોથળામાંથી નીકળતું બિલાડું થવું છે…

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

‘અરે, પણ કહું છું જાગો હવે… ક્યારના શું મ્યાઉ.. મ્યાઉ…. કરો છો? કાર્યાલય પર નથી જવું?આ તમારા અડધો ડઝન ડોહાઓ ક્યારના બહાર ઊભા ઊભા જિંદાબાદ જિંદાબાદ કરે છે. એમને થોડાક ગાંઠિયા નીરો એટલે હાઉં કરે’.

નાહ્યા વિનાનો નેતા આર કરેલો જભ્ભો પહેરી અને ઘરવાળીને કહેતો હતો કે ‘બે વાટના દીવા કરજે કે હું બિલાડી થાઉં’.
ઘરવાળીએ ચાનો પ્યાલો હાથમાં લઈ ને નેતા પતિને ઝાટકી નાખ્યા:
‘આસપાસના ઘરમાં હું આમ જવા નથી દેતી એટલે બિલાડી થઈ અને વંડિયો ઠેકવી છે?’
નેતાએ બચાવમાં કહ્યું:
‘છાપા વાંચતી જા.આજકાલમાં જ હવે લોકસભાની ચૂંટણી જાહેર થશે.. ઉમેદવારની પસંદગી માટે નોનસેન્સ લેવાઈ રહી છે, પણ છેલ્લાા કેટલા વખતથી ગમે એટલી રજૂઆત થાય કોથળામાંથી બિલાડું નીકળે છે એટલે આખી રાત મ્યાઉ… મ્યાઉ… ’ કર્યું છે. ‘ઉપરવાળો સાંભળી લે તો મને તાત્કાલિક બિલાડી બનાવી દે.’

‘તમારી ઉપર વીસેક ગુના તો છે. જતા જતા પાંચ- છને ઢીકા -પાટુ કરતા જાવ તો પચ્ચીસે આંકડો પહોંચે. તમારું નામ મોટું થાય ને ટિકિટની રેસમાં તમે આગળ પણ રહેશો.’
નેતાએ ગેલમાં આવીને ઘરવાળીને કીધું: ‘તારું મગજ તો બહુ સારું
ચાલે છે’
ઘરવાળી કહે: ‘ભૂલી ગયા મારા બાપા મંત્રી હતા. એમનેમ થોડું મંત્રી પદ મળે છે. ત્યાં લગી પહોંચતા તમારે હજી ઘણું રીઢુ,-મિંઢું થવાની
જરૂર છે’.

અમારા ગામમાં ચૂંટણીના ઢોલ વાગવાના શરૂ થઈ ગયા છે. ગામવાળા ને ખબર જ છે કે કોણ ચુંટાવાનું છે, છતાં સામા પક્ષે પણ વાજતે ગાજતે મુરતિયાઓ હાથમાં ગડગડિયું લઈ અને ઉધાર લીધેલા ઢોલી પાસે ઢોલ વગડાવી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. એમને પોતાના પક્ષમાંથી ચુંટાવામાં રસ ઓછો છે, પણ સામા પક્ષે એની નોંધ લેવાય અને વાજતે ગાજતે એના પક્ષમાં લઈ હાર તોરા કરી સ્વીકાર કરી લે તેવું દિલથી
ઈચ્છે છે.

પસંદગીની પ્રક્રિયા સાથે આશા અને અપેક્ષા જોડાયેલી જ હોય. કોઈ પણ વસ્તુની પસંદગીમાં લોકો પોતાની રીતે પસંદગીનું ધોરણ નક્કી કરતા હોય છે મુરતિયાની પસંદગીમાં જો લગ્નની બાબત હોય તો સારામાં સારો ઇન્સ્ટા કે ફેસબુકમાં દેખાય તેવો દેખાવડો, શેરબજારના ઇન્ડેક્સમાં જેના કારણે ઇન્ડેક્સની ઉતર – ચડ થતી હોય તેવા ઉદ્યોગપતિની આવક જેટલી આવક ધરાવતો હોય કે કોઈ સરસ સિરિયલ કે ફિલ્મના ખૂબ કેરિંગ પોતાની પત્ની કે પ્રેમિકાની અત્યંત કાળજી રાખતો હૃદય શુદ્ધ પતિની ઝેરોક્ષ જેવો જ, વેખલાય નહીં છતાં સતત હસતો ચહેરાથી, શરીરથી નહીં એવો લાફિંગ બુદ્ધા જેવો, વગેરે, વગેરે આવી ઘણી બધી બાબતનો સમાવેશ એક જ નંગમાં હોય તેવો નંગ કોઈ પણ ક્ધયા કે ક્ધયાના માતા-પિતા ઈચ્છતા હોય, પરંતુ હજુ સુધી મેં શુદ્ધ શાકાહારી ચીનાઓ જોયા નથી.

મુરતિયા શોધવાના છે.અત્યારના સંજોગોમાં તો મુરતિયા’ શબ્દ આવે તો પૂછવું પડે કે લગ્નની વાત છે કે ચૂંટણીની?’ કારણકે લગ્નની ઉંમર નક્કી હોય છે લગભગ ૨૫ વર્ષની આસપાસના સ્ત્રી-પુરુષો-છોકરા છોકરીઓ પરણવાની ઉંમર કહેવાય એટલે એ મુરતિયાની વ્યાખ્યામાં આવે, પરંતુ રાજકારણ એક એવી વસ્તુ છે કે તેમાં ૮૦ વર્ષના પણ મુરતિયા હોય. એ મુરતિયાઓ એવા હોય કે તમે ઈચ્છતા ન હો તો પણ તમારી માથે આવીને થોપાય, પરંતુ તમારે મુરતિયાની પસંદગી કરવાની હોય ત્યારે ખૂબ સારાની વ્યાખ્યામાં આવે તેવા શોધવાનો પ્રયત્ન કરવાનો હોય, પરંતુ હવે તો જેમ ડાયનોસોર પ્રજાતિ લુપ્ત થઈ ગઈ તેમ કદાચ ખૂબ સારા નેતાઓ લુપ્ત થતા જાય છે એટલે જેટલા હોય કોઇ પણ પક્ષમાંથી ઉભા હોય તેમાં ઓછા ખરાબ મુરતિયાની પસંદગી કરવાની આપણને તક મળે છે..

હવે તો ચૂંટણીની સિઝન પુર બહારમાં શરૂ થવાની છે. લગ્નના મુરતિયાની તપાસ કરીએ છીએ ત્યારે સો ટચનું સોનું હોય તેવો મુરતિયો પસંદ કર્યો હોય છતાં સમયાંતરે સોનાનો જાડો ગ્લેટ ઉતરીને પ્યોર પિત્તળ થતા વાર નથી લાગતી. તેવી જ રીતે ચૂંટણીમાં પણ અણીશુદ્ધ મુરતિયો પસંદ કર્યો હોય તે ક્યારે તળિયું ન દેખાય તેવો ડહોળો થઈ જાય તે કહેવાય નહીં. લગ્નમાં શાંત સુશીલ લાગણીશીલ એવા બધા ગુણવાળા મુરતિયાની બોલબાલા હોય છે, પરંતુ રાજકારણમાં ઉમેદવાર તરીકે જ્યારે મૂરતિયો શોધવાનો હોય ત્યારે માથાભારે, દાધારિંગા, ચાલાક અને હુંશિયાર હોવો જોઈએ.

ક્ધયાઓની સંખ્યા આપણી દીકરા-દીકરીના ભેદની માનસિકતાને કારણે ઓછી છે. તેવા સંજોગોમાં છોકરાઓ સો રૂપિયે ડઝનના ભાવે મળતા હોય તો છોકરીઓ ૫૦૦૦ રૂપિયે ડઝન ગણી શકાય.

મને મુરતિયાની પસંદગી કરવામાં મારા બચપણનો કિસ્સો યાદ આવે છે. અમારી શેરીમાં એક બહેન ટોપલી લઇ બદામ વેંચવા આવતાં. એ પહેલા જ અમારી શેરીમાં આવતાં એટલે પસંદગી કરવાની અમને પ્રાથમિકતા મળતી એટલે લાલ, તાજી, મીઠી બદામ અમે ગોતી લેતાં. છેલ્લી શેરી માટે ડાઘાવાળો માલ બચતો.

સાંભળ્યું છે કે ચુંટણી જંગમાં મુરતિયો પહેલાં ડાઘાવાળો પસંદ થાય અને શુદ્ધ છેલ્લે. લગ્ન અને ચુંટણી બંનેમાં બાયોડેટા આપવો પડે -પ્રશ્નોત્તરી થાય- કેટલી કમાણી કરશો એવું જાહેર કે ખાનગીમાં પુછાય પચી ઘરધણી ખુશ થાય એટલે વાત પાકી થાય.

લગ્નની વાતમાં નક્કી હોય કે કોણ મુરતિયો છે. વાત લઈને ગયા હોય તો જે સિક્કો વટાવવાનો હોય તેની જ વાત અને વાહવાહીનું માર્કેટિંગ થાય અને ચુંટણીમાં જેને ખભ્ભે બેસાડીને લઇ ગયા હોય એને પડતો મુકી ખુદ ખભ્ભે બેસાડનાર ઘોડે કયારે ચડી જાય એ નક્કી નહી. લગ્નવાળો મુરતિયો છાસવારે વેવાઈ ન બદલી શકે જયારે ચુંટણીવાળો ગમે તે કરી શકે. ઘણીવાર તો વેવાઈ બીજાના ઘરના મુરતિયાના વખાણ કરવા માંડે છે. એમાં હાર પહેરીને ચોરીમાં ફેરા ફરવા તૈયાર રહેલો મુરતિયો રહી જાય અને સાવ અજાણ્યો ક્ધયા સાથે વાજતે ગાજતે ફેરા ફરવા મંડે અને કઠણાઈ તો એ કે હાર પહેરેલા મુરતિયાએ ખુરશી ગોઠવવાથી માંડી ને વાડીના વાસણ પરત દેવા સુધીની જવાબદારી સ્વીકારવી પડે!

વિચારવાયુ:
વિપક્ષના કોઈ નેતાને ભરી ભરીને ગાળો દીધી હોય પછી એને જ ખભે બેસાડીને ગામમાં ફરવાની મજા કેવી આવતી હશે, હેં?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button