ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૨૪ ઉમેદવારોના નામે પણ મંજૂરીની મહોર: ભાજપની નવી દિલ્હીમાં બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોના ઉમેદવારોની પસંદગીની આખરી કવાયત ગુરૂવારે મોડી રાત સુધી નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે ચાલી હતી જેમાં ૨૪ લોકસભા બેઠકોને આખરી નામોને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના નામ નક્કી હોવાનું જાણવા મળે છે.
લોકસભાની ચૂંટણીને પગલે ગુરૂવારે મોડી સાંજથી મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપવા મનોમંથન કર્યું હતું.
ગુરૂવાર મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ગુજરાતની ૨૪ લોકસભા બેઠકોને આખરી નામોને મંજૂરી અપાઇ હતી. ગાંધીનગર, નવસારી, જામનગરની બેઠક પર રિપીટેશન થિયરી અપનાવવામાં આવશે. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટની બેઠક પર ફેરફારની શક્યતા જોવાઈ રહી છે. સૌરાષ્ટ્રની પોરબંદર પરસોત્તમ રૂપાલા અને ભાવનગરની બેઠક પરથી મનસુખ માંડવીયાના નામોની ચર્ચા કરવામાં આવી છે, બીજી બાજુ પોરબંદરની બેઠક માટે છેલ્લી ઘડીએ મનસુખ માંડવીયાનું નામ સૂચવવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ભરૂચ લોકસભાને બેઠક પર મનસુખ વસાવાની પ્રબળ દાવેદારી થઈ છે. આ ઉપરાંત મહેસાણાની બેઠક પર ગુજરાતના માજી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને માજી પ્રધાન રજની પટેલના નામો ચર્ચાયા હતા. પાટણની બેઠક પર ભરતસિંહ ડાભીએ ફરી દાવેદારી કરી છે, પરંતુ ભરતસિંહ ડાભીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તેની જગ્યાએ દિલીપ ઠાકોરને તક મળી શકે છે. આ સાથે નટુજી ઠાકોરનું નામ પણ જોરશોરથી આગળ આવ્યું છે. રાજકોટની બેઠક માટે માજી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરાડવાની દાવેદારી પ્રબળ છે. તેની સામે પરસોત્તમ રૂપાલાનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. આગામી લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતાની જાહેરાત તા.૧૩મી માર્ચ આસપાસ થવાની સંભાવના છે. આ સાથે જ, લોકસભા ચૂંટણી એપ્રિલ – મેમાં યોજાય તેવી સંભાવના છે. આ માટેની અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.